જાહેરમાં લઘુશંકા, થૂંકવા, કચરો ફેંકવો, પ્રતિબંધીત પ્લાસ્ટીકના મુદ્દે દંડાયા

મંગળવાર, 21 મે 2019 (12:34 IST)
અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી, ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરનારા કુલ ૨,૪૦૫ લોકોને દંડવામાં આવ્યા છે. જેઓની પાસેથી ૧૨.૪૩ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જાહેરમાં થૂંકનારા ૨૪૯ લોકોને દંડવામાં આવ્યા છે. તેમજ જાહેરમાં લઘુશંકા કરનારા કુલ ૧૪૬ લોકોને ઝડપીને તેઓની પાસેથી પણ દંડની વસુલાત કરાઇ છે. શહેરમાંથી ૨૨૭ કિ.ગ્રામ જેટલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો.
મેગાસીટી અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં મોટાપાયે અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે હવે જાહેરમાં થૂંકવા બદલ પણ ઇ-મેમો ફટકારીને દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરાઇ છે. જેમાં શહેરમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૯૪ લોકો જાહેરમાં થૂંકતા ઝડપાયા હતા.
પશ્ચિમ ઝોનમાંથી ૬૨, ઉત્તર ઝોનમાંથી ૩૮, દક્ષિણ ઝોનમાંથી ૨૮, મધ્ય ઝોનમાંથી ૧૦, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૮ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી ૯ લોકો દંડાયા હતા. કુલ ૨૪૯ લોકોને નોટિસ ફટકારીને તેઓની પાસેથી ૩૦,૨૦૦ રૂપિયાનો દંડ વસુલાયો હતો.
જાહેરમાં લઘુશંકા કરનારા ૧૪૬ લોકોમાંથી ૬૫ લોકો પૂર્વ ઝોનમાંથી ૩૨ લોકો પશ્ચિમ ઝોનમાંથી અને ૨૬ લોકો ઉત્તર ઝોનમાંથી ઝડપાયા હતા. જાહેરમાં લઘુશંકા બાબતે નોટિસ ફટકારીને કુલ ૧૨,૦૫૦ રૂપિયાનો દંડ વસુલાયો હતો. શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકના મામલે કુલ ૯૪૪ નોટિસ ઇશ્યું કરાઇ હતી. જેમાં ૫.૬૨ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. જાહેરમાં કચરો ફેંકવાના મામલે પણ ૧,૦૬૬ લોકોને નોટિસ આપીને તેઓની પાસેથી ૬,૩૮,૪૫૦નો દંડ વસુલાયો હતો.
ઇ-મેમો આવ્યા બાદ પણ દંડ ન ભરનારા કુલ ૧૫૮ લોકોના ઘરના સરનામે જઇને જે તે ઝોનના સેનીટેશન ઇન્સ્પેક્ટર દ્વારા કુલ ૧૫,૮૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં તા.૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જાહેરમાં ગંદકી, લઘુશંકા, થૂંકવા સહિતના મામલે કુલ ૩૧,૩૬૯ લોકોને નોટિસની બજવણી કરાઇ છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કુલ ૧.૯૮ કરોડનો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર