મને જેલ કે ફાંસી થશે તો પણ ચૂંટણી લડીશ, ભાજપે મારી સાથે અન્યાય કર્યો : મધુ શ્રીવાસ્તવ

શનિવાર, 3 ડિસેમ્બર 2022 (15:10 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. હવે ઉમેદવારો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, મને જેલ થાય કે ફાંસી થાય હું જનતા માટે ચૂંટણી લડવાનો છું. ચૂંટણી પછી જનતાને નડતા અધિકારીઓને છોડવામાં નહીં આવે. ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રી વાસ્તવ. તેમની બદલી ના કરાવું તો મારૂ નામ નહીં.
 
મને ફાંસી થાય તો પણ વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડીશ
આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપે મારી સાથે અન્યાય કર્યો છે. રૂપાણી, નીતિન પટેલ પાસે ચૂંટણી ન લડવા લખીને માગી લીધું. મારી પાસે પણ માગી લીધું હોત તો હું પણ હસતો હસતો જાન આપી દેત. મને જેલ થાય કે ફાંસી થાય વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડવાનો છું. આ ઉપરાંત તેમણે ડભોઇ બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહ્યું ડભોઇના ધારાસભ્ય પહેલી વખત ચૂંટાયા હતા અને પાંચ વર્ષ સુધી પૂનમ ભરવી પડી હતી.
 
14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં
ભાજપે ટિકિટ કાપતા અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડી રહ્યા છે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડવાજા, ડીજે સાથે રેલીઓ યોજીને શક્તિ પ્રદર્શન કરશે. શનિવાર-રવિવારના ભરપૂર લગ્નો છે. જેના કારણે ઉમેદવારો લગ્ન સમારોહમાં જઇને પણ પોતાનો પ્રચાર કરશે.દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી અધિકારીઓને ચીમકી આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર