ગ્રાહકોને ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ ઉપરાંત પૂજા માટે આવશ્યક સામગ્રી પણ મળશે

રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (15:27 IST)
હસ્તકલાના કારીગરો દ્વારા નિર્મિત ગણેશની ઈકો-ફ્રેન્ડલી(પર્યાવરણને અનુકુળ) મૂર્તિનું વેચાણ અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસેની ગ્રામહાટમાં થઈ રહ્યું છે.અહીંથી ગ્રાહકો ગણેશની મૂર્તિ ઉપરાંત પૂજા માટે આવશ્યક સામગ્રી જેવી કે ભગવાનના પરિધાન, ધૂપસળી, હવનકુંડ, કુંડા, દિવડા વગેરે પણ ખરીદી શકશે. 
 
આ એક્ઝિબિશનનો આરંભ 3 સપ્ટેમ્બરથી થયો છે, જે 10 સપ્ટેમ્બર,2021 સુધી ચાલશે. આ વેચાણ કમ પ્રદર્શનમાં માટીકામ અને હસ્તકલાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ ઉપ્લબ્ધછે. પ્રદર્શનનો મુખ્ય હેતુ ગ્રાહકો સીધી કારીગરો પાસેથી ખરીદી કરે તે છે. આ સીધી ખરીદીના કારણે કારીગરોની આવકમાં વૃદ્ધિ થશે અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર થવામાં સહાયરૂપ થશે. 
 
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, ડીઆરડીએના આઈ.એસ.આહિર અને ફિક્કીના શ્રી નંદિતા મુન્શા વગેરેની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો.  
 
ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશન માટે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા(EDII)અને કુટિર –ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ પ્રદર્શનની વધુ વિગતો માટે હસ્તકલા સેતુ યોજનાના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ પ્રીતિ ભટ્ટ(મો- 98985-11277)નો સંપર્ક કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર