પુલના અભાવે ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા લઈ જવા મજબૂર

શનિવાર, 6 ઑગસ્ટ 2022 (14:54 IST)
ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે. રોડની ખાનાખરાબી એટલી છે કે ગાડી લઈને બહાર નીકળવાનું મન ન થાય. પ્રાથમિક સુવિધાઓથી જ શહેરો એટલા પીડાય છે કે બીજી સુવિધાઓની વાત જ શુ કરવી. રોડ, પુલ, ગટર, પાણી માટે વલખા મારવા પડે છે. ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં નદી પર પુલ બંધાયા નથી, અને અંતિમવિધિ માટે મૃતદેહને નદીમાંથી પસાર કરાવીને લઈ જવો પડે છે. અંકલેશ્વર નજીક આવેલા વાલિયા તાલુકા ડહેલી ગામના લોકો પુલના અભાવે ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
 
કમરસમા પાણીમાંથી નાનામી લઈ જવા મજબૂર
વાલિયા તાલુકાના ડહેલી ગ્રામપંચાયતના ગામનાં ગ્રામજનોની વર્ષો જૂની વેદનાનો અંત આવતો જ નથી. છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરાતી નથી. જેથી લોકોની હાલાકી વધી રહી છે. સ્કૂલ જવુ હોય કે નોકરી જવુ હોય આ જ નદીમાઁથી પાર થઈને જવુ પડે છે.  નદી પર પુલના અભાવે ગામના લોકોએ દર ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી નનામી લઈને કમર સમા ભરાયેલા પાણીમાંથી ડાઘુઓને પસાર થઈને સામે પાર આવેલા સ્મશાનમાં જવું પડે છે. ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં ગામમાં કોઈપણ વ્યક્તિનું મોત થાય, ત્યારે ગામના લોકો પર મુસીબત આવી પડે છે. ગઈકાલે ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં જેની અંતિમયાત્રા નીકળી હતી. એનો કોઈ ગ્રામજને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર