વડોદરાની ખાનગી હોસ્પિટલના કોરોનાના 3 હજાર દર્દીઓને સાજા કરનાર ડોકટર મિતેષકુમાર ઠક્કરને 88 રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો મળી આવતા પોલીસે પાસા હેઠળ 104 દિવસ સુધી જેલમાં ધકેલી દીધા હોવાનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેની સુનાવણી જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટ સમક્ષ આવતા તેમણે સરકારની ઝાટકણી કાઢી હતી. તબીબે જણાવ્યું હતું કે, હું રાજનેતા હોત તો મારી સામે પાસા ન થાત. મેં રેમડેસિવિરનો એક રૂપિયો પણ ચાર્જ લીધો નથી. પોલીસે મને છોડ્યો નહીં એટલે ગંભીર હાલતમાં રહેલા ત્રણ દર્દીઓના મોત થયા હતા. કોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે, ડોકટર તરીકે તેણે દર્દીઓને ઇન્જેક્શન નહોતા આપવાના? ડોકટરે પોતાના દર્દીઓ માટે ઇન્જેકશન મગાવ્યા તેમા ખોટું શુ કર્યુ? આ ડોકટરે એક રૂપિયો પણ દર્દી પાસેથી ચાર્જ નથી કર્યો તો કાળા બજાર શેના કર્યા? આ બનાવની ગંભીરતાને કયારે સમજશો? મેજીસ્ટ્રેટે તબીબને જામીન પર છોડી દીધા તો પોલીસ એજ દિવસે તેમના ઘરે જઇને તેમને પાસા હેઠળ ઉપાડી લાવી? તેમને ગંભીર દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે પણ ન છોડ્યા? ફેઇથ હોસ્પિટલના તબીબે હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જો તે તબીબ ના હોત અને રાજનેતા હોત તેમની સામે પાસા ન થયા હોત. તેમણે કોરોનાના કપરાકાળમાં 3000 દર્દીઓને સાજા કર્યા છે. અવંતિકા કંપની પાસેથી કુલ 100 ઇન્જેકશન મગાવ્યા હતા, તેના બિલ પેટે 2 લાખ 50 હજાર ચુક્વાયા છે. રેમડેસિવિર ઇન્જેકશનના બિલો પણ કોર્ટ સમક્ષ પુરાવા સ્વરૂપે રજૂ કર્યા હતા. એટલુ જ નહીં આજ દિન સુધી કોઇ દર્દી પાસેથી ઇન્જેકશનનો ચાર્જ લીધો નથી. તેમને સાવ ખોટી રીતે પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસે તેમના 3 દિવસના રિમાન્ડ લીધા હતા.