અમદાવાદમાં બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી અને તાવના કેસો વધ્યાં

શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:32 IST)
ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે હવે કોરોના કેસો મંદ પડ્યાં છે પરંતુ બીજી બાજુ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો મોટા પાયે ફાટી નીકળ્યો છે. માર્ચ મહિનાથી લઇ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો વાયરલ સિઝન તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં ઇન્ફ્લુએન્ઝા સહિતના વિવિધ વાયરલ રોગોનું પ્રમાણ વધે છે અને બાળકો પર આ હવામાનની વધુ અસર થાય છે.અમદાવાદની વાત કરીએ તો શહેરની સિવિલ હોસ્પિટલમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં જ હજારોની સંખ્યામાં ઋતુગત બીમારીના કેસો નોંધાયા છે.જુલાઇ મહિનામાં કુલ 2 હજાર 900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં તો જૂન મહિનામાં 1 હજાર 50 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે ઓગસ્ટ મહિનામાં ફક્ત 12 દિવસમાં જ 1 હજાર 470 બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં. જે પૈકી 475 બાળકોને દાખલ કરવાની ફરજ પડી. બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી અને તાવના કેસો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોની ઓ.પી.ડી.માં એક તબીબ દિવસના ચાલીસથી પચાસ બાળકોને તપાસી રહ્યા છે અને આ હોસ્પિટલોમાં કન્સલટેશન માટે પણ લાંબું વેઇટિંગ છે. અહીં આવતા બાળકોને ફ્લુ, ઝાડાઉલ્ટીની સમસ્યા સાથે આવતા તમામ બાળકોને શરદી-ખાંસની સમસ્યા હોય જ છે. ઘણાં કિસ્સાઓમાં બાળકોને પંદર-વીસ દિવસ સુધી ખાંસીની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા જેવા કેસો પણ નોંધાયા છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કોલેરાની માહિતી છુપાવી રહી છે. આટલા મોટી સંખ્યામાં કોલેરાના કેસો નોંધાયા છતાં આરોગ્ય વિભાગે શહેરીજનોને આ બાબતથી અજાણ રાખી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો નથી. રાજય સરકારનું આરોગ્ય વિભાગ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પર કોઈ નિયંત્રણ કે મોનીટરીંગ ન રાખતું હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. ચાલુ વર્ષે ઓગસ્ટ માસના પહેલા 7 દિવસ દરમિયાન પાણીજન્ય રોગોમાં ઝાડા- ઉલ્ટીના 121, કમળાના 28 અને ટાઈફોઈડના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયાના 15 કેસો, ઝેરી મેલેરિયાના 02, ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાના 5 કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 382 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી 170 સાઈટને નોટિસ આપી હતી. તેમજ રૂ. 4.98 લાખનો દંડ વસુલ કર્યો હતો. 158 એજ્યુકેશનલ એકમો ચેક કર્યા હતા. જ્યારે 248 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ એકમોને ચેક કરી 70 નોટિસ આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર