‘ક્યાર’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાયો, ગુજરાત માટે આગામી 12 કલાક ભારે
શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (17:36 IST)
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું સક્રિય થયું છે જે 6 કલાકે 7 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવઝોડાના કારણે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રથી 210 કિલોમીટર દૂર ‘ક્યાર’ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને હાલ તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ મજબૂત બનશે. આ વાવઝોડામાં પવનની ગતિ 70 -80 કિ.મી.ની ઝડપે છે. ગુજરાત તરફ આગળ વધી રહેલા સંકટના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. ક્યાર નામના વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ક્યાર નામના વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયામાં ભારે પવનો ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. પોરબંદર સહિત અનેક બંદરોના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને પણ હવામાન વિભાગે દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. સાયક્લોનને લઇને તંત્ર પણ સાબદું થઇ ગયું છે. જૂનાગઠના માંગરોળમાં દરિયો તોફાની બન્યો છે. બારા બંદરે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડા આમ તો ઓમાન તરફ ફંટાય તેવી પુરેપુરી શક્યતા છે. તેમ છતાં દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે જ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. દ્વારકાના સલાયા, વાડિનાર, ભોગાત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે