ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું; લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, ભારે પવન સાથે વરસાદ

ગુરુવાર, 15 જૂન 2023 (18:59 IST)
biporjoy

ગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRF, SDRF ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે, તો વિવિધ જિલ્લાઓનું વહિવટી તંત્ર પણ ખડેપગે રહી તમામ પ્રકારના સાવચેતીના પગલા લઈ રહ્યા છે.

વાવાઝોડાનું સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વાવાઝોડાને પગલે વિવિધ જિલ્લાઓમાં ખૂબજ ગંભીર અસર થવા પામી છે. આગામી બે કલાકમાં વાવાઝોડુ લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ત્યારે 1700થી વધુ ગામો, 75 દરિયાકાંઠા, 41 બંદરો પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. 


જામનગરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  વાવાઝોડાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે, જેને ધ્યાને રાખી રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જિલ્લાના રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ ધ્યાને આવ્યા બાદ તુરંત 10 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું છે.વાવાઝોડું ટકરાય તે પહેલા ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે અને દરિયામાં આવેલો કરંટ છેક માછીમારોની બોટ સુધી જોવા મળ્યો છે. તો સુરક્ષિત સ્થાનો પર ગોઠવાયેલી બોટો સુધી દરિયાનું પાણી પહોંચી જતાં માછીમારો ચિંતિત થયા છે.

પોરબંદરમાં પણ માધવપુર દરિયો ગાંડોતૂર બનતા વહિવટીતંત્ર સાવચેતીના પગલા ભરી રહી છે. દરમિયાન અહીં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો દરિયામાં 20થી 25 ફુટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે જૂનાગઢની સ્થિતિની વાત કરીએ તો અહીં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે અહીંના માગરોળ દરિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે પવન વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. માગરોળ દરિયાના વહેણ ઉછળી ઉછળીને બહાર આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. અહીં સતત ભારે પવન ફુંકાઈ રહ્યો છે, આ ભારે પવન વચ્ચે વરસાદે માજા મુકી છે. ધનપુરા, રામપુરા, ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મલી રહ્યા છે, તો હિંમતનગરમાં ધોધમાર વરસાદે લોકોને દોડતા કરી દીધા છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ વધતા વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છનો ગાડોતુર બન્યો છે... તેમજ ભારે પવન ફુંકાવાના કારણે લોકોએ બહાર નિકળવાનું પણ ટાળી દીધું હોય તેમ અહીંના રોડ-રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. કચ્છમાં પવનની ગતિ પ્રતિ કલાકે 115-125 કિલોમીટરે ફુંકાવાની સંભાવના છે, ત્યારે આજે બપોર બાદ નવલખી અને કંડલા દરિયાકાંઠે 2થી 3 માળ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. દરમિયાન વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી NDRFની કચ્છમાં 6 ટીમો જ્યારે SDRFની 2 ટીમો તૈનાત કરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર