ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ
મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (14:45 IST)
ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી આજે યોજાઇ છે. જેમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપને મત આપ્યો છે. ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના આ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભોળાભાઇ ગોહિલ, કરમસી પટેલ, રાઘવજી પટેલ, સી.કે. રાઉલજી અને અમિત ચૌધરી છે. કોંગ્રેસ દ્વારા આ ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે. બીજી તરફ કોંગ્રેસ સાથે છોડે ફાડનાર શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યા બાદ કહ્યું હતું કે તેમણે અહેમદ પટેલને મત આપ્યો નથી. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ મતદાન કર્યું છે પરંતુ તેમણે ગુપ્ત મતદાન કર્યુ છે. જો કે મહેન્દ્રસિંહે પણ ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા છે કારણ કે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપુત મહેન્દ્રસિંહના વેવાઇ છે. ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપે ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસે એક ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપુત તથા કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ ઉમેદવાર છે.