લગ્ન કરવાનો ઇનકાર કરતા ચાર શખ્સોએ યુવતીનું અપહરણ કરાતા ચકચાર

ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (12:03 IST)
આણંદ જિલ્લાના તાલુકા મથક બોરસદ શહેરના એક શખ્શે નજીકમાં જ રહેતી એક યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કરવા દબાણ કરતા યુવતીએ લગ્ન કરવાની ના પાડતા અન્ય ચાર શખ્શોની મદદ લઈ યુવતીનું અપહરણ કર્યા બાદ વડોદરા ખાતે ગોંધી રાખી યુવતીના ભાઈ તથા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના બનાવ અંગે બોરસદ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ધમકી આપનાર યુવક સહિત પાંચ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ જિલ્લાના તાલુકા મથક બોરસદ શહેરના ભોભા ફળી ખાતે રહેતો તમીઝખાન અહેસાસખાન પઠાણ નજીકમાં જ રહેતા ઐયુબશા ભરપુરશા દિવાનની દિકરી શહેનાઝબાનુ સાથે લગ્ન કરવા માગતો હતો. જો કે યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તમીઝખાને યુવતીના પિતાને હેરાનગતિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ત્યારબાદ ગત તા.૨૩મીના રોજ મોઈનખાન સમીરોદ્દીન મલેકે આ યુવતીને મળવા બોલાવી હતી. 
જેથી શહેનાઝબાનુ બોરસદ શહેરના ફુવારા નજીક મળવા જતા તમીઝખાન પઠાણે યુવતીનું મોઢું દબાવી એક કારમાં બેસાડી દઈ અપહરણ કર્યું હતું. ત્યારબાદ શહેઝાદ તથા આરીફબેગની મદદ લઈ વડોદરા લઈ જઈ મામાના ઘરમાં પુરી રાખી ધાક-ધમકી આપી હતી. દરમ્યાન તમીઝખાને નિકાહ કરવા માટે યુવતી પર દબાણ કર્યું હતું. ત્યારબાદ શહેઝાદ તથા આરીફબેગ યુવતીને કારમાં બેસાડી પરત આવ્યા હતા.
જ્યાં રસ્તામાં તમીઝખાને યુવતીને જણાવ્યું હતું કે હું મારી મરજીથી ગઈ હતી તેવુ પોલીસને જણાવે અને જો તે પોલીસમાં આવુ નહી લખાવે તો તેના પિતા તથા ભાઈને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર