રાજકોટના ખરેડીમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતાં પતિએ નશાની હાલતમાં ઝેરી દવા પીધી

ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (17:03 IST)
ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ લાખોનો દારૂ પકડાય રહ્યો છે. ત્યારે દારૂને કારણે રાજકોટના ખરેડી ગામના શ્રમિક પરિવારનો માળો વિખાયો હોવાની ઘટના સામે આવી છે. એમાં રોજ દારૂ પીને આવતા પતિને દારૂ પીવાની ના પાડતાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ નશામાં જ પતિએ ઝેરી દવા પીધા બાદ પત્નીએ પણ ઝેરી દવા પી લીધી હતી.

બન્નેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજ્યાં હતાં. દંપતીનાં મોતથી સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના કુવાડવા નજીક આવેલા ખરેડી ગામે ચંદુભાઈ કેરડિયાની વાડીએ રહેતા મૂળ વડોદરાના રણજિતભાઈ ઉદયભાઈ ઠાકોર અને તેની પત્ની નયનાબેન રણજિતભાઈ ઠાકોરએ રાત્રિના સમયે કપાસમાં નાખવાની ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અહીં સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજ્યાં હતાં. તેઓ મૂળ વડોદરાનાં અને છેલ્લા એક વર્ષથી ખરેડી ગામે વાડીએ રહી મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. મૃતક રણજિત દરરોજ દારૂનો નશો કરી આવતો હોવાથી પત્નીએ દારૂ પીવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આથી સૌપ્રથમ રણજિતે અને બાદમાં તેની પત્નીએ ઝેરી દવા પી લીધી હતી. બંનેનાં મોતથી સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બંનેના મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું અને અંતિમવિધિ માટે દંપતીના મૃતદેહને વતન લઇ જવામાં આવ્યો છે. આ ઘટના અંગે વડોદરા નજીક રહેતા મૃતકના પરિવારને પણ બનાવની જાણ કરવામાં આવી છે.ચાર મહિના પહેલાં રાજકોટમાં આર્થિક ભીંસને કારણે વૃદ્ધ દંપતી ગોપાલભાઇ ચાવડા (ઉં.વ.60) અને નિર્મલાબેન ચાવડા (ઉં.વ.60)એ આપઘાત કરી લીધો હતો. શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટના બારમા માળે પોતાના ફ્લેટમાં જ ચાવડા દંપતીએ સજોડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ દોડી જઇ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. દંપતીના પુત્રએ પોલીસ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે રેડીમેડ કપડા બનાવવાના કારખાનામાં મોટુ નુકસાન આવતાં મારાં માતા-પિતાએ આ પગલું ભરી લીધું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર