શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત, ૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ

શનિવાર, 18 જુલાઈ 2020 (11:46 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘની ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેની રજૂઆતોનો પ્રતિસાદ આપતાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો તા. રપ-૬-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અંદાજે ૬પ હજારથી વધુ શિક્ષકોને આના પરિણામે લાભ થવાનો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ પત્રના અનુસંધાને શિક્ષક સંઘો અને શિક્ષક આલમમાં જે અસંતોષની લાગણી હતી.
 
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષણિક મહાસંઘના પદાધિકારીઓ સાથેની સફળ બેઠક બાદ શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પત્રના સંદર્ભમાં શિક્ષક સંઘો દ્વારા થયેલી વિવિધ રજૂઆતો બાબતે છેલ્લા ૧પ દિવસમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણ મંત્રી કક્ષાએ તેમજ અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રી કક્ષાએ પરામર્શ-ચર્ચાઓ કરવામાં આવી હતી.
 
મુખ્યમંત્રીએ તદઅનુસાર શિક્ષક સમૂદાયના વ્યાપક હિતમાં નિર્ણય લઇને તા. રપ-૬-ર૦૧૯નો શિક્ષણ વિભાગના આ પત્રનો અમલ મોકૂફ-સ્થગિત કરવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, આ પ્રશ્ને પણ શિક્ષક સંઘો સાથે સાનૂકુળ વાતાવરણમાં લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આ અંતિમ નિર્ણય લેવામાં આવેલો છે. શિક્ષક સંગઠનોએ આ સુખદ નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીને પ્રત્યક્ષ મળીને તેમનો આભાર વ્યકત કર્યો હતો. 
 
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઇ પણ વર્ગ, સંવર્ગ કે શિક્ષકો લાગણી અને માંગણી ધ્યાને લઇને તેમના હિતકારી નિર્ણયો જ કરતી આવી છે અને કોઇનું ય અહિત ના થાય તેનું ધ્યાન પણ હંમેશા રાખવાની જ છે. તેમણે રાજ્યના શિક્ષક સમુદાયને ખાતરી આપી કે, આ મૂદે કોઇ પણ વ્યકિતગત કે સામૂહિક શિક્ષકને કોઇ સંવર્ગમાં આર્થિક નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર સંકલ્પબદ્ધ છે. 
 
આ સમગ્ર બાબતે શિક્ષક સંઘોને અને સંગઠનોને ગેરમાર્ગે દોરીને વિષયને રાજકીય રૂપ આપવાના વિપક્ષે કરેલા પ્રયાસોની આલોચના પણ કરી હતી. તેમણે શિક્ષક સંગઠનો અને શિક્ષક આલમે રાજ્ય સરકાર પર વિશ્વાસ ભરોસો રાખીને જે ધીરજ રાખી તેનો આભાર વ્યકત કર્યો હતો. આ પરિપત્રના અમલ અંગેની નાની-મોટી બધી અડચણો દૂર કરીને મુખ્યમંત્રીએ શિક્ષકોના વિશાળ હિતમાં આજે આ નિર્ણય કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર