અમદાવાદી યુવકે શોધ્યું અનોખું ડિવાઇસ, દૂધમાં ભેળસેળ કે ચોરી થતી અટકશે

ગુરુવાર, 1 એપ્રિલ 2021 (09:56 IST)
રાજ્યમાં આવેલી ડેરીઓ જે એક સ્થળેથી દુધના મુખ્ય પ્લાન્ટ સુધી લાખો ટન દૂધ ટેન્કરોના માધ્યમથી પહોંચાડે છે તેમના માટે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન દુધમાં થતી ભેળસેળ અને ચોરી માથાનો દુખાવો સાબિત થાય છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન સમયે રસ્તામાં દૂધમાં ભેળસેળ ના થાય, ચોરી ના થઇ શકે તેનો ઉકેલ અમદાવાદના યુવાને શોધી કાઢ્યો છે. GTU માં અભ્યાસ કરી ચૂકેલા મિહિર પંડ્યાએ બનાસ ડેરીને એક અનોખું ડિવાઇસ બનાવીને આપ્યું છે, જે દુધનું વહન કરતા ટેન્કરોમાં લગાવવામાં આવે છે અને દૂધમાં થતી ભેળસેળ અને ચોરીની ચિંતામાંથી મુક્તિ અપાવી ચૂક્યું છે.
મિહિર પંડ્યાએ બનાસ ડેરીને તેમની સૌથી મોટી ચિંતાનું નિરાકરણ પૂરું પાડ્યું છે. બનાસ ડેરીમાં દૂધ પહોંચાડતા તમામ ટેન્કરો માટે 'જીઓસેફ સ્માર્ટ ટેન્કર સોલ્યુશન' ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ બનાવનાર મિહિરની વાત કરીએ તો એન્જીનિયરિંગ કરી ચૂકેલા મિહિરે સ્ટાર્ટ અપ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની મદદથી આ ડિવાઇસ તૈયાર કર્યું અને બનાસ ડેરીને દૂધમાં થતી ભેળસેળ અને ચોરીની ચિંતામાંથી મુક્તિ અપાવી છે. 
 
આ ડિવાઇસની કીટ ટેન્કરના મુખ્ય ડેસ્કઃબોર્ડ પર લગાવવામાં આવે છે, જે ટેન્કરને સતત ટ્રેક કરતું રહે છે સાથે જ અન્ય બે કીટ ટેન્કરની બે મુખ્ય કેપ પર લગાવવામાં આવે છે. દૂધ જ્યાંથી ટેન્કરમાં ભરવામાં આવે છે અને જ્યાંથી દૂધ પ્લાન્ટ ખાતે કાઢવામાં આવે છે એ બે જગ્યાઓ પર કીટ લગાવવામાં આવે છે. 
 
દૂધની હેરફેર સમયે માર્ગમાં જો કોઈ ટેન્કરની મુખ્ય બે માંથી એકપણ કેપ ખુલે તો તેની સાથે લાગેલા ડિવાઇસના કારણે તેના સર્વરમાં એલાર્મ વાગે છે અને તે તુરંત જ ટેન્કરની કેપ ખુલી હોવાથી દૂધમાં ભેળસેળ થવાના અથવા ચોરી થવા અંગેનો સંકેત આપી દે છે.
 
બનાસ ડેરી માટે દૂધમાં ભેળસેળ તેમજ ચોરીની સમસ્યા વિકટ બની ચુકી હતી એવામાં આ ડિવાઇસના ઉપયોગથી તેઓ ચિંતા મુક્ત બન્યા છે અને આ ડિવાઇસ તેમણે 100 ટેન્કરોમાં અત્યાર સુધીમાં લગાડી દીધી છે તો સાથે જ અન્ય 550 ટેન્કરોમાં પણ 'જીઓસેફ સ્માર્ટ ટેન્કર સોલ્યુશન' કીટ લગાવવા માટે ઓર્ડર પણ આપ્યો છે. જે આ ડિવાઇસની સફળતા પર મહોર લગાવે છે. આ એક ડિવાઇસની કિંમત 12000 રૂપિયા છે.
 
બનાસ ડેરી માટે ડિવાઇસ તૈયાર કરનાર મિહિર પંડ્યા ONGC સાથે પણ કામ કરી રહ્યા છે. ઓએનજીસી દ્વારા રિમોટ એરિયામાં શક્કર રોટ પંપ કે જે જમીનમાંથી ઓઇલ કાઢે છે, તે પંપ ચાલુ છે કે બંધ છે તે જોવા માટે કંપનીના કર્મચારીઓએ વ્યક્તિગત રીતે વિઝીટ કરવી પડે છે જેમાં નાણા અને સમયનો બગાડ થાય છે. પરંતુ મિહિરે તૈયાર કરેલા ડિવાઇસની.મદદથી પંપનું વોલ્ટેજ, કરન્ટ, પાવર કન્ઝમ્પશન કેટલુ છે, તેમજ પંપ ચાલુ છે કે નહી તે જાણી શકાય છે અને તેની પ્રોડક્ટીવીટી પણ વધારી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર