કોરોના વાયરસ સંદર્ભે રાજ્યમાં આજે દિવસ દરમિયાન રાજકોટનો એક કેસ પોઝિટિવ : કુલ ૩૯ કેસ નોંધાયા

ગુરુવાર, 26 માર્ચ 2020 (10:11 IST)
કોરોના વાયરસ સંદર્ભે 
રાજ્યમાં આજે દિવસ દરમિયાન રાજકોટનો એક કેસ પોઝિટિવ : કુલ ૩૯ કેસ નોંધાયા આરોગ્ય અગ્ર સચિવશ્રી ડો. જયંતિ રવિ
રાજ્યમાં ૧.૦૭ કરોડ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ : ૧૦૪ હેલ્પલાઇનમાં અત્યાર સુધીમાં ૧૫ હજાર કોલ  આવ્યા : રોગના લક્ષણો ધરાવતા ૨૫૮ વ્યક્તિઓને પર સારવાર સુવિધા અપાઈ એપોલો હોસ્પિટલ અને સુપ્રાટેક લેબોરટરીને ટેસ્ટીંગની પરવાનગી : પાંચ સરકારી મેડિકલ કોલેજમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ
 
રાજ્યમાં પૂરતા પ્રમાણમાં માસ્ક - દવાઓનો જથ્થો ઉપલબ્ધ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજકોટ ખાતે આજે ૪૦ વર્ષના એક પુરુષનો કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં કુલ ૩૯ કેસ પોઝીટીવ થયા છે.
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ ડો. અનિલ મુકીમ સહિત ઉચ્ચ અધિકારીઓની મળેલી કોર કમિટીની બેઠક બાદ મીડિયાના મિત્રોને માહિતી આપતાં ડો. રવિ એ ઉમેર્યું કે, રાજ્યમાં તાવ, શરદી, ઉધરસ સહિત કોરોના રોગ સંબંધિત લક્ષણો સહિતની ફરિયાદો માટે ૧૦૪ હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ કોલ આવ્યા છે. જેના પર આરોગ્યલક્ષી સારવારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, એટલું જ નહીં રોગના લક્ષણો ધરાવતા ૨૫૮ દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવીડ-૧૯ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ જ રીતે એપોલો હોસ્પિટલ અને સુપ્રાટેક લેબોરટરીને પણ ટેસ્ટીંગ માટેની પરવાનગી આપવામાં આવી છે.
 
ડૉ. રવિએ જણાવ્યું હતું કે, અત્યારે સુધીમાં રાજ્યમાં 1,07,62,012  લોકોનો ઘરે ઘરે ફરીને તેમજ ટેલીફોનિક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે.  જેમાંથી 15,468 લોકો ફોરેન  ટ્રાવેલ હિસ્ટ્રી  ધરાવે છે. સર્વેલન્સ દરમિયાન 50 લોકોમાં  આ પ્રકારના લક્ષણો જોવા મળતા તેઓ હાલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 20,220 લોકો હોમ કવોરોન્ટાઈનમાં છે.હોમ કવોરોન્ટાઈનના ભંગ  બદલ  અત્યાર સુધીમાં 147 સામે FIR નોંધવામાં આવી છે.
 
 તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ -131  લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા  જેમાંથી 110ના પરિણામ આવ્યા છે.  જેમાં એક  કેસ પોઝીટીવ છે જ્યારે  એક કેસ અનિર્ણાયક છે. જ્યારે 21  ટેસ્ટ પડતર છે. જે એક કેસ આજે રાજકોટમાં પોઝિટિવ આવ્યો છે તે સ્થાનિક સંક્રમિત છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ-39 કેસ પોઝિટિવ છે,તેમ તેમણે ઉમેર્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર