જીવનજરૂરી ચીજો માટે લોકોને અવરજવર કરવા દેવા પોલીસને સૂચના આપીઃ ડીજીપી

બુધવાર, 25 માર્ચ 2020 (19:07 IST)
ગુજરાતમાં કોરોના વાયરસના આજે વધુ 3 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. આજના ત્રણ પોઝિટિવ કેસમાંથી એક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.
તેમજ હાલ 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે. કોરોના મામલે આજે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો અમલ કડક કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળે તે માટે મદદ કરી રહી છે. દવા, દૂધ, શાકભાજી લેવા આવતા લોકો સાથે સંયમથી વર્તવા પોલીસને સૂચના આપી છે. જ્યાં આવશ્યક સેવાઓ છે ત્યાં લોકોને અવરજવર કરવા દેવા પોલીસને સૂચના છે.
જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના અમલ માટે પણ પોલીસ જોડાઈ છે.પોલીસને સહકાર મળ્યો છે એ મળતો રહે. લોકોનો સહકાર પણ મળી રહ્યો છે.જાહેરનામા ભંગની 490 ફરિયાદ રાજયમાં થઈ છે. 236 ક્વોરેન્ટાઇન ભંગના ગુના નોંધવમાં આવ્યા છે.પોલીસ સોશિયલ મીડિયા ઉપર પર સતત નજર રાખી રહી છે. કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર