કોરોનાની ચિંતા વચ્ચે ગુજરાત ભાજપે કાર્યક્રમોની હારમાળા જાહેર કરી

ગુરુવાર, 12 માર્ચ 2020 (16:09 IST)
દેશમાં કોરોના વાયરસનો આતંક છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જાહેર કાર્યક્રમો ટાળી રહ્યા છે તથા ભીડ એકત્ર ન થાય તે માટે કેન્દ્ર અને રાજય સરકાર સક્રીય છે તે સમયે ગુજરાત ભાજપ દ્વારા તા.12 થી 31 માર્ચ દરમ્યાન જીલ્લા અને તાલુકા સ્તરે કેન્દ્રીય બજેટ અને ગુજરાત બજેટની સમજ આપવા કાર્યકર્તાઓની શ્રેણીબદ્ધ મોટાપાયે બેઠકો તથા 6 એપ્રિલે ભાજપનો સ્થાપનાદીન ઉજવવા માટે બુથ કક્ષા સુધીના કાર્યક્રમોની જાહેરાત કરતા આશ્ચર્ય થયુ છે.
જો કે સદનસીબે હજુ ગુજરાતમાં કોરોનાનો કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી. પરંતુ પાડોશી મુંબઈમાં કોરોનાના બે પોઝીટીવ કેસ છે અને તેના કારણે ગુજરાત દૂર નથી. જો કે રાજય સરકાર સજાગ છે તેમ છતાં જાહેર કાર્યક્રમો ખુદ મુખ્યમંત્રી ટાળી રહ્યા છે તે સમયે પક્ષ દ્વારા આ પ્રકારના અપાયેલા કાર્યક્રમો અને મોટા પાયે ઉજવણીથી કોરોનાને તક મળી શકે છે તેવી ચર્ચા ખુદ ભાજપના કાર્યકર્તાઓમાં થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના એક સમયના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખુદ ગુજરાતના હોવા છતાં જે રીતે ગુજરાત ભાજપનું સંગઠન રચવામાં વિલંબ થયો છે તેની ચર્ચાને વેગ મળ્યો છે. સંગઠન વગર જ સરકાર ચલાવવાની અથવા સંગઠનને મહત્વહીન કરી દેવાની આ ચાલ તો નથી તેવી ચર્ચા છે. ગઈકાલે તેલંગાણા અને તામીલનાડુ જેવા રાજયોમાં પણ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ છે તે સમયે ગુજરાતમાં કયા અટકે છે તે પણ પ્રશ્ર્ન છે અને હવે વિધાનસભા સત્ર પુરુ થાય તેની રાહ જોવાઈ રહી છે તેવુ માનવામાં આવે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર