અમદાવાદઃ શહેરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, દિલ્હીના સીએમ કેજરીવાલ, AAPના સાંસદ સંજય સિંહ, બિહારના ડે. સીએમ તેજસ્વી યાદવ સામે વિવિધ મુદ્દાઓ પર કેસ નોંધવામાં આવ્યાં છે. ત્યારે હવે તામિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધી સ્ટાલિન સામે પણ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરવામાં આવી છે. શહેરના એક વકીલે અરજી કરીને ઉદયનિધી સામે એફઆઈઆર કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.
સનાતન ધર્મને લઈને અપાયેલા નિવેદનનો વિવાદ વકર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનીધિ સ્ટાલિનના સનાતન ધર્મને લઈને અપાયેલા કથિત વિવાદિત નિવેદન પર સતત વિવાદ વધી રહ્યો છે. ભાજપ નેતાઓ સહિત કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે, ઉદયનીધિએ સ્પષ્ટતા કરી હતી. તેમણે ગુરુવારે ભાજપના નેતાઓ પર તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો અને આ સંબંધમાં તમામ મામલાઓની કાયદાકીય રીતે સામનો કરવાના સોગંદ ખાધા છે. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ મણિપુર હિંસા પર સવાલોથી ડરીને દુનિયાભરમાં ફરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષના તમારા તમામ વચનો ખોખલા છે. ભાજપ સરકાર સામે આખો દેશ એકજુટ થઈને સવાલ ઉઠાવી રહ્યો છે કે, તેમણે અમારા કલ્યાણ માટે શું કર્યું છે?