ભારત વિરોધી વિચારો અને ભાષણો થતાં હોય ત્યાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જઈને જનતાને શું સંદેશો આપવામાં માંગે છે ? ભરત પંડયા

ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (14:57 IST)
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ શાહીનબાગ ખાતે પહોંચેલા કોંગ્રેસના નેતાઓ અંગે મિડીયાના સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ભારત વિરોધી ભાષણો થતાં હોય, ભારત વિરોધી તત્વોનો અડ્ડો હોય, ભાગલાવાદી અને ભડકાઉ ભાષણો દ્વારા “ભારત તોડો”ની વાત થતી હોય એ જગ્યાએ કોંગ્રેસના નેતાઓ જઈને ગુજરાતની જનતાને શું સંદેશો આપવા માંગે છે ? તે ખબર પડતી નથી.
 
થોડા સમય પહેલાં મીડિયાનાં માધ્યમથી ગુજરાતની જનતાએ જોયું હતું કે, અમદાવાદના શાહઆલમ ખાતે પોલીસ ઉપર બર્બરતાથી પત્થર મારો કરીને હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. શાહઆલમથી શાહીનબાગ સુધી કોંગ્રેસના નેતાઓ શું સંદેશો આપવા માંગે છે.? આ ગુજરાતનું કલ્ચર નથી. ગુજરાત શાંતિ-એકતા-વિકાસ અને સામાજીક સમરસતામાં માને છે.
 
આ કોંગ્રેસનું કલ્ચર કેવું છે. ? જ્યાં JNU માં આતંકવાદી અશરફની વરસી વાળવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચે અને અત્યારે શાહીનબાગમાં ભારત વિરોધી અને ભારત તોડોના ભાષણો થતાં હોય ત્યાં કોંગ્રેસના નેતા પહોંચે છે. મને લાગી રહ્યું છે કે, આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કોંગ્રેસ CAA માટે ગેરસમજ અને ઉશ્કેરાટ ફેલાવે છે.હું ફરીથી અપીલ કરૂં છું કે, CAA કોઈપણ ભારતીય નાગરીકને અસર કરતો નથી કે લાગુ પડતો નથી. માત્રને માત્ર પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને  બાંગ્લાદેશના લઘુમતિઓ, શરણાર્થીઓ કે જેવો પીડિત છે. એમને નાગરીકતા આપવાની વાત છે. અહીંયા કોઈની નાગરીકતા પાછી લેવાની વાત જ નથી.
 
કોંગ્રેસ જે રીતે એક પ્રકારના ઝેરી પ્રચાર દ્વારા કે અન્ડર કરંટથી ષડયંત્ર કરી રહી છે.  જેનાથી દેશને નૂકસાન છે અને દેશની એકતાને નૂકસાન છે. CAA રાષ્ટ્રધર્મ અને માનવધર્મ આધારીત કાયદો છે. તેમ છતાંય કોંગ્રેસ લોકોમાં ગેરસમજ ફેલાવીને વેરઝેર-ઉશ્કેરાટ અને ભાગલાવાદી મનોવૃત્તિથી દેશને નૂકસાન કરવાનો એક ખતરનાક ખેલ ખેલીને પોતાનાં રાજકીય રોટલાં શેકી રહી છે.
 
ભરત પંડયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી શકે છે, પરંતુ ભારત વિરોધી વાત ન કરી શકે. અને ભારત વિરોધી અને દેશને તોડવાનાં આંદોલન કે કાર્યક્રમમાં ન જવું જોઈએ. કોંગ્રેસ દેશને જોડવાનાં કાર્યક્રમો, નિવેદનો કરતી નથી . પરંતુ દેશને તોડવાની વાત કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર