રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની બાગડોર યુવાઓના હાથમાં સોંપવા નક્કી કર્યુ છે જેના ભાગરુપે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખપદનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. પદભાર સંભાળ્યા બાદ આજે દિવસભર પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પંચાયતના પ્રમુખોથી માંડીને વિવિધઝ સેલના ચેરમેનો સાથે તબક્કાવાર બેઠકો યોજવામાં આવી હતી. કોંગ્રેસે પ્રજાલક્ષી સમસ્યાઓને આગળ ધરી ભાજપ સરકારને ભિડવવા આંદોલનાત્મક કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનને પરર્ફોમન્સ બેઇઝ્ડ બનાવવા તૈયારીઓ શરૃ કરાઇ છે.
તાલુકા કક્ષાએથી સંગઠનમાં બદલાવ આવશે તેવો પત્રકાર પરિષદમાં દિશાનિર્દેશ આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે, આગામી બે મહિના સુધી કોંગ્રેસ પ્રજાની સમસ્યાઓને લઇને લડત લડશે.નવુ માળખુ ન રચાય ત્યાં સુધી વર્તમાન માળખાના પદાધિકારીઓને આંદોલનાત્મક કાર્યક્રમોની ય જવાબદારી સુપરત કરાઇ છે. આ ઉપરાંત ૧૨મી એપ્રિલથી અંબાજીથી જનસંપર્ક યાત્રા શરુ કરાશે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જીલ્લાઓમાં જઇને કાર્યકરો સાથે સંગઠનને લઇને ચર્ચા કરશે. એક જ મહિનામાં આખાય રાજ્યના કાર્યકરો સાથે રુબરુ મળવા આ કાર્યક્રમ ઘડાયો છે. જૂથવાદ નહીં,બલ્કે બૂથવાદની નીતિ પર આગળ ધપવા કોંગ્રેસે નિર્ધાર કર્યો છે ત્યારે જનમિત્ર બૂથ અભિયાનની પણ શરૃઆત કરાશે.દરેક બુથ પર એક પુરુષ-એક મહિલાની નિમણૂંક કરાશે.૪૫ હજાર બૂથો પર ત્રણ મહિનામાં જ બૂથ જનમિત્ર નિમાશે. ૧૫મી એપ્રિલથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. શહેરોમાં સંગઠનનુ માળખુ નબળુ છે તે વાતનો એકરાર કરતાં અમિત ચાવડાએ જણાવ્યુ કે, શહેરોમાં સંગઠનને મજબૂત બનાવવા શહેરનું અલાયદુ માળખુ ઉભુ કરાશે.અનુભવી નેતાઓનો માર્ગદર્શન મેળવી શહેરી વિસ્તારનો એજન્ડા નક્કી કરાશે.૧૧મી એપ્રિલે એક ચિંતનશિબર પણ આ માટે જ યોજવામાં આવી છે. સહકારી માળખાનું ભગવાકરણ થયુ છે તેવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યુ કે,કોંગ્રેસમાં હવે અલાયદો સહકાર સેલ ઉભો કરાશે.સહકારી ક્ષેત્રના જાણકારો,અનુભવીઓનું માર્ગદર્શન મેળવી સહકારી ક્ષેત્રમાં દબદબો ઉભો કરવા કોંગ્રેસે આયોજન કર્યુ છે. તાલુકા-જીલ્લા પંચાયતો,નગરપાલિકામાં ચૂટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન કરવા માટે પણ તાલીમ શિબીર યોજવા આયોજન કરાયુ છે.આમ,કોંગ્રેસે મિશન -૨૦૧૯ને ધ્યાનમાં લઇને ચૂંટણીલક્ષી તૈયારીઓના મંડાણ માંડયા છે.