ફરજિયાત પાક વીમા સામે ભારતીય કિસાન સંઘની હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

ગુરુવાર, 5 એપ્રિલ 2018 (16:05 IST)
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતો માટે પાક વીમો લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેની સામે ભારતીય કિસાન સંઘે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. પોતાની અરજીમાં કિસાન સંઘે રજૂઆત કરી છે કે, વીમો ફરજિયાત ન હોવો જોઈએ. આ મામલે ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીએ રાજ્ય સરકારને ત્રણ સપ્તાહમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. અરજદાર સંસ્થા દ્વારા એવા મુદ્દા પણ ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, વીમો લીધા બાદ ખેડૂતોને તેની કોઈ રિસિપ્ટ પણ આપવામાં આવતી નથી.

આ ઉપરાંત, પાકને જો નુક્સાન થાય તો પણ વીમા કંપની ઈન્શ્યોરન્સની રકમ આપવામાં ગલ્લા-તલ્લા કરે છે. અરજીમાં એવું પણ જણાવાયું છે કે, સરકારે વીમા કંપનીઓને કેગના દાયરામાં લાવવી જોઈએ, જેથી તેનું ઓડિટ કરી શકાય. પાક વીમા હેઠળ અલગ-અલગ વિસ્તારોને નોટિફાઈડ કરવામાં આવ્યા છે, અને અમુક જ પાકોને તેની હેઠળ આવરી લેવાય છે, જે અત્યારની સ્થિતિને જોતા તર્કસંગત પ્રક્રિયા નથી. આ ઉપરાંત, વીમાની માહિતી પણ ખેડૂતોને સ્થાનિક ભાષા કે પછી કમ સે કમ હિન્દીમાં તો મળી જ રહેવી જોઈએ તેવી માગ પણ આ પીઆઈએલમાં કરાઈ છે.સંસ્થાએ જણાવ્યું છે કે, ખેડૂતોના બેંક અકાઉન્ટમાંથી જ વીમાના પ્રીમિયમની રકમ બારોબાર કપાઈ જાય છે. જેની સામે ખેડૂતોને પોલિસી નથી મળતી. તેના કારણે વીમા હેઠળ શું કવર થયું છે, અને શું નથી થયું તેની સ્પષ્ટ માહિતી ખેડૂતો પાસે નથી હોતી. ખાસ તો, ફરજિયાત વીમાને કારણે મગફળી અને કપાસ પકવતા ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર