રામ મંદિર મુદ્દે બફાટ કરનાર 'કોંગ્રેસના આગેવાનોએ મેન્ટલ હોસ્પિટલમાં ચેક અપ કરાવવાની જરૂર છેઃ પાટીલ

બુધવાર, 25 મે 2022 (16:02 IST)
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત આજે વડોદરાના પાદરા ખાતે દિવ્યાંગ, વિધવા બહેનો, NGO, સરકારી યોજનાના વિવિધ લાભાર્થીને સંબોધન કર્યું અને પાદરા ટાઉનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.  જ્યાં સી.આર.પાટીલે કોંગ્રેસના નેતા પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગઇકાલે કોંગ્રેસ ગુજરાતના આગેવાને રામ મંદિર માટે નિવેદન કર્યું હતું તેનાથી લાગે છે કે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની જરૂર છે. તેમના નિવેદનથી હિન્દુ ધર્મના ભાઇ-બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે, તેમને હું અહીથી  ચેતવણી આપું છું કે, આવો જો પ્રયત્ન વાંરવાર કરશો તો આ હિન્દુ ધર્મના ભાઇ-બહેનો તેમને પાઠ ભણાવશે.
 
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમનામાં જો હિંમત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે, તેના માટે નિવેદન કેમ નથી કરતા ? તે સવાલ કર્યો. અન્ય ધર્મના સ્થાનોમાં પણ કૂતરાઓ ફરતા હોય છે, ત્યાં તેઓ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે, તે અંગે નિવેદન કરે છે. આ નિવેદન આપે તો તે મર્દ છે. હિન્દુ ધર્મના ભાઇ-બહેનો સહિષ્ણુ છે, તેઓ ઝડપથી નિવેદન આપતા નથી, પરંતુ, જ્યારે આપે ત્યારે ઉખાડીને ફેંકી દે છે તે સમજી લે. આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે કેટલાક સમાજને ચોક્કસ રીતે હર્ટ કરી કેટલાક લોકોને ખુશ કરવાનો પ્રય્તન કરીને ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના પ્રયત્ન ન કરે તેમની હાર નક્કી છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે, કોંગ્રેસ મુકત ગુજરાત હોવું જોઇએ તે થઇને રહેશે તેનો મને વિશ્વાસ છે. 
 
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નવસારીમાં પહેલો કાર્યક્રમ એક લાખ લોકોની ઉપસ્થિતિમાં કર્યો હતો અને 17 હજાર લોકો પોતાનું જીવન સરળતાથી જીવી શકે તે માટે 17 હજાર સાધનોનું વિતરણ કર્યું હતું. દિવ્યાંગ ભાઇ-બહેનોને  સાધનો મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યવસ્થા કરી હતી. તેમની કેટલીક રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે. આખા દેશમાં વિધવા બહેનોને પેન્શન યોજના દ્વારા મદદ  કરવામાં આવે છે, જેમાં વિધવા બહેનોના દિકરો કે, દીકરી 18 વર્ષના થાય ત્યાં સુધી દિવ્યાંગને પેન્શન આપવામાં આવે છે, પરંતુ, ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આજીવન પેન્શન આપવામાં આવે છે. તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોને, વિધવા બહેનોને સહાય કરવામાં આવે છે.
 
કામદાર ભાઇ-બહેનો માટે શ્રમજીવી કાર્ડ આપવાની યોજના બનાવામાં આવી છે, જેથી તેમને સરકારની યોજનાનો લાભ મળે. આત્મનિર્ભર કે આરોગ્ય માટે મા કાર્ડ યોજનાનો લાભ અપાવવા પણ પુરતા પ્રયત્ન કરવામાં આવે છે. મા કાર્ડ મારફતે ગરીબ વ્યકિત તેમની સારવાર કરી શકે છે. ગુજરાત જ એક માત્ર રાજય એવું છે કે, જેની અંદર આદિવાસી વિસ્તારમાં  એકથી વધુ યોજનાનો લાભ એક જ વ્યક્તિને મળ્યા હોય તેવા અનેક દાખલા છે. ભવિષ્યમાં પણ ભાજપના કાર્યકરો દરેક જરૂરિયાત મંદ વ્યકિતને સરકારની યોજનાના લાભો મળે તેવા પ્રયત્નો સતત કરતા રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર