દુનિયામાં માત્ર 2.5% લોકોમાં જોવા મળતી દુર્લભ બિમારી અભયને 15 વર્ષે થઇ, અમદાવાદના ડોક્ટરોએ આપ્યું નવજીવન
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (15:32 IST)
આજથી ત્રણ વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયા સમગ્ર દુનિયામાં માત્ર 2.5 ટકા લોકોમાં જ જોવા મળતી સ્કોલિઓસિસ નામની બિમારીનો ભોગ બન્યો. 3 વર્ષ પહેલા 15 વર્ષની વયે અભય ખેલકૂદમાં પણ સક્રિય હતો. પરંતુ વિધાતાએ અભય માટે કોઇ અલગ જ પ્રકારની વેદનાની સ્યાહીથી લખી હતી! અભય એના પરિવાર સાથે રાજીખુશીથી જીવન વિતાવી રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે પારાવાર પીડા તેની તરફ બિલ્લીપગે એક ખંધા શિયાળની જેમ આગળ વધી રહી હતી.
અભય રાદડિયાને જન્મથી જ કમરના મણકામાં વધુ પડતો વળાંક હતો. ધીરે ધીરે આ સમસ્યા વકરવા લાગી. ખેલકૂદમાં રસ ધરાવતા અભયને શરૂઆતમાં હલનચલનમાં તથા રમતગમતમાં તકલીફ થવા લાગી. અભયના પરિવારે આના નિવારણ માટે ઘણી બધી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડોક્ટર્સનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય સંતોષકારક સારવાર મળી નહીં. છેવટે જે ક્યાંય શક્ય ન બન્યું એને અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જનની ટીમે શક્ય બનાવ્યું!
અભય સારવાર માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં દાખલ થયો. જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે અભયને સ્કોલિયોસિસ (scoliosis ) નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. જેમાં કમરનાં મણકાંમાં સામાન્ય કરતાં વધારે વાંકા થઇ જાય છે જેના લીધે હલનચલન પર અસર થાય છે. અભયના કિસ્સામાં જ્યારે તે 3 વર્ષ પહેલા સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવ્યો ત્યારે વય પણ એક અવરોધરૂપ પરિબળ હતું. સ્કોલિયોસિસ બિમારીના ઓપરેશન માટે દર્દીની વય પુખ્ત વય જેટલી હોવી જરૂરી છે. જેના કારણે અભયના પરિવારે ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી.
આખરે અભય 18 વર્ષનો થયો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદી તેમજ તેમની ટીમે અભયના ઓપરેશનનો નિર્ણય કર્યો. ડો. મોદી અને તેમની ટીમે સતત ન્યૂરો મોનિટરિંગ સાથે આ જટિલ અને જોખમી ઓપરેશન અત્યંત ખંતપૂર્વક પાર પાડ્યું.
સ્કોલિયોસિસ બિમારી કેટલી દુર્લભ છે તેની ગંભીરતા વિશે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી કહે છે કે સમગ્ર દુનિયામાં સ્કોલિયોસિસ બિમારીનું પ્રમાણ માત્ર 2.5% છે. જ્યારે ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4% છે. સામાન્ય રીતે આ બિમારી છોકરાઓમાં વધુ જોવા મળે છે. આ બિમારીથી પીડાતા બાળકોને સામાન્ય જીવનમા અગવડતા પડતી હોય છે. જો યોગ્ય સમયે તબીબી સારવાર ના મળે તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામ આવતા હોય છે. મોટા ભાગે આ બિમારી ડોર્સલ (dorsal) લેવલ 60- 65 % ઉપર જોવા મળતી હોય છે. પરંતુ (lumbar) લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે 35-40% જેવું જોવા મળે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જે જટિલ બિમારીની સારવારમાં અન્યત્ર રૂ. 8 થી 10 લાખનું આંધણ થાય તેમ હતું, તે જટિલ અને દુર્લભ બિમારીનું ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સુખરૂપ સંપન્ન થયું છે. અભય અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે.