આમ આદમી પાર્ટીમાંથી માત્ર 22 વર્ષની ઉંમરે મહાનગરપાલિકામાં કૉર્પોરેટર બનનારાં ગુજરાતી યુવતી

હરિતા કાંડપાલ

શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (13:22 IST)
લોકો કહેતા કે રાજકારણમાં જવાની તારી ઉંમર નથી. રાજકારણ ગંદું છે અને તું કંઈ નહીં કરી શકે.'
 
આ શબ્દો છે 22 વર્ષનાં પાયલ પટેલનાં, જેઓ આમ આદમી પાર્ટીનાં સૌથી યુવા ઉમેદવાર છે જે સુરત મહાનગરપાલિકામાં કૉર્પોરેટર તરીકે ચૂંટાયાં છે.
 
પાયલ પટેલે પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડીને રાજકારણમાં પગ મૂક્યો છે. તેઓ પૂર્ણા પશ્ચિમ વૉર્ડ-16માં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયાં છે.
 
મૉડલ-અભિનેત્રી રહેલાં પાયલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, ''મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી પણ લૉકડાઉનમાં જ્યારે લોકોની તકલીફો જોઈ ત્યારે એમ થયું કે ઘણું બઘું બદલવાની જરૂર છે.''
 
"અમે લૉકડાઉન સમયે ફી-માફી માટે પ્રદર્શન કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે અમારી અટકાયત કરી હતી. ત્યારે પ્રશ્ન થયો કે શું વિરોધ કરવાનો પણ લોકોને અધિકાર નથી?"
 
"સામાજિક મુદ્દામાં હું પહેલાંથી રસ ધરાવતી હતી પણ લૉકડાઉનમાં જ્યારે લોકો ફી-માફીની વાત કરીને ગળગળા થતાં ત્યારે એમ થયું કે જો બદલાવ લાવવો હોય તો સિસ્ટમમાં આવવું પડશે."
 
પાયલના પિતા વેપારી છે અને માતા ગૃહિણી છે. એ સિવાય પાયલના પરિવારમાં તેમનાં દાદી અને નાના ભાઈઓ છે જે અભ્યાસ કરે છે.
 
તેઓ કહે છે કે "હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું અને મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી."
 
પાયલ પટેલ પરિવાર સાથે
 
આમ આદમી પાર્ટીની પૅનલમાં સૌથી યુવા ઉમેદવાર પાયલ પટેલે કહ્યું કે જ્યારે તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું ત્યારે કેટલાય લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે તેઓ આટલી નાની ઉંમરે રાજકારણમાં કેમ જાય છે?
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જ્યારે મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું ત્યારે લોકો કહેતા કે આ તારી ઉંમર નથી રાજકારણમાં જવાની. સગાં-સંબંધીઓ કહેતા કે રાજકારણ ગંદું હોય છે. "
 
"આટલી યુવાન છોકરી માટે રાજકારણ એ 'સુરક્ષિત' નથી. આવા પ્રશ્નો સામે લડવા માટે મારાં માતાએ મને હિંમત આપી.
 
પાયલ કહે છે કે રાજકારણ જ નહીં પણ મૉડલિંગ અને ઍક્ટિંગમાં કારકિર્દી બનાવવા અંગે પણ લોકો સવાલો કરતા હતા.
 
"છોકરી હોવાને કારણે આ પ્રશ્નોનો સામનો મારે પણ કરવો પડ્યો હતો. જોકે મને મારાં માતાએ પ્રોત્સાહિત કરી હતી. હું ચૂંટણી લડી શકી તેમાં મારાં માતાનો ટેકો મળ્યો એ ખૂબ મહત્ત્વપૂર્ણ હતું."
 
પાયલે અભિનયક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. તેમનાં માતા મંજુ સાકરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે સમાજમાં જે લોકો છોકરીઓના આગળ વધવા સામે પ્રશ્નો ઊભા કરે તેમણે સમજવું છોકરીઓ હવે ચંદ્ર પર જવા લાગી છે અને છોકરીઓને આગળ વધવા દેવી જોઈએ.
 
તેઓ કહે છે, "પાયલ સાથે પ્રચારમાં હું દરરોજ જતી. અમને ગર્વ છે કે તે સારા ઉદ્દેશ સાથે કામ કરી રહી છે."
 
અભિનય અને મૉડલિંગમાં કમાણી સારી હોવાનું સ્વીકારતાં પાયલ જણાવે છે કે લૉકડાઉનમાં લોકોની જે મુશ્કેલીઓ જોતાં તેમને લાગ્યું હતું કે તેઓ મૉડલિંગમાં કરીને સમાજમાં લોકોની મુશ્કેલીઓ દૂર નહીં કરી શકે.
 
લૉકડાઉન બાદ પાયલ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં.
 
રાજકારણમાં યુવાનોની ભાગીદારી વિશે તેમનું માનવું છે, "યુવાનોને રાજકારણમાં અવસર નહોતા આપવામાં આવતા. "
 
"લોકોએ મને પણ કહ્યું કે તારી ઉંમર નથી રાજકારણમાં જવાની અને તું કંઈ કરી નહીં શકે. લોકો યુવાનોને પ્રોત્સાહિત કરવાને બદલે તેમને હતોત્સાહિત પણ કરે છે. "
 
રાજકારણમાં યુવાનોના પ્રવેશ વિશે વાત કરતાં પાયલ ગુજરાતના પાટીદાર આંદોલનનો દાખલો આપે છે.
 
તેમનું કહેવું છે કે પાટીદાર આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને તેને પગલે પરિવર્તન આવ્યું. સરકારે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી.
 
તેમનું કહેવું છે કે "મને લાગ્યું કે સામાન્ય વ્યક્તિને કોઈ કામ કરાવવું હોય તો તેનો રસ્તો બહુ સરળ નથી હોતો. ગુજરાતમાં અનેક એવી સમસ્યાઓ છે. "
 
"મારા ક્ષેત્રની વાત કરું તો ખાડીનો પ્રશ્ન લગભગ 20 વર્ષથી છે. ગંદગી અને મચ્છરની ભયંકર સમસ્યાઓ છે. લોકોએ એક-એક દિવસમાં 200 જેટલાં નિવેદનો આપ્યાં છે પણ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. હું આ પ્રકારના તંત્રમાં પરિવર્તન લાવવા માગું છું."
 
તેઓ શિક્ષણ, આરોગ્ય અને રોજ લોકોના રોજિંદા પ્રશ્નોના ઉકેલની વાત કરે છે.
 
પાયલ સુરતમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવાની વાત કરતાં દિલ્હીની સરકારી વ્યવસ્થાની વાત કરે છે.
 
તેમનું કહેવું છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે સરકારી શાળાઓમાં મફત શિક્ષણ, મોહલ્લા ક્લિનિકની જે સુવિધા આપી છે કે વિજળી-પાણીનાં બિલોમાં જે છૂટછાટ આપી છે તેની ગુજરાતના લોકોને પણ જરૂર છે.
 
 
પાર્ટીનો દાવો છે કે મહાનગરપાલિકા ચૂંટણીમાં શિક્ષિત અને યુવાનો ઉમેદવારોને ઊતારવામાં આવ્યા હતા.
 
પાયલ જણાવે છે કે તેમણે કૉલેજનું ભણતર અધુરૂં મૂકી દીધું હતું પરંતુ તેઓ હવે પોતાનું ભણતર પુરૂં કરશે.
 
તેઓ ઉમેરે છે, "સામાન્ય કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાઈ હતી પણ અમે અમારા વૉર્ડમાં દરેક બારણે પહોંચીને લોકોનો સંપર્ક કરતાં અને પાર્ટીમાં એ વિશે ચર્ચા કરતાં. લોકોનો સારો પ્રતિસાદ જોઈને પાર્ટીએ મને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનું નક્કી કર્યું."
 
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 114 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, તેમાં 80 ટકા ઉમેદવારની ઉંમર 40 વર્ષથી નીચે હતી.
 
જે 27 ઉમેદવારો જીત્યા છે તેઓ સામાન્ય પૃષ્ઠભૂમિથી આવતા પગારદાર નોકરીયાત લોકો છે.
 
તેમણે કહ્યું કે પાયલ પટેલ 22 વર્ષનાં યુવાન ઉમેદવાર છે અને તેમની જેમ જ વકીલાત કરતાં યુવા ઉમેદવાર મોનાલી હીરપરાએ વૉર્ડ-2 માંથી જીત્યાં છે.
 
ગુજરાતની છ મહાનગરપાલિકા ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે.
 
સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ને 27 ઉમેદવારોની જીત થઈ છે. ભાજપને 93 બેઠકો મળી જ્યારે કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર