કોલ્ડ વેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું . આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ ક્રમશ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી બપોર સુધી ઠંડા પવનનું જોર યથાવત રહ્યું હતુું. બપોર પછી ઠંડા પવનનું જોર ઘટતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.9 ડિગ્રી ગગડીને 23.8 ડિગ્રી અને લઘુુતમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ગગડીને 10.6 ડિગ્રી નોંધાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવનની અસર રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.