મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે . આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે.
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.
કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા