સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાનાં આણંદપુર પંથકના ધારૈઇ, રામપરા (ચોબારી) તેમજ નજીકના વિછીયા તાલુકાનાં ઢેઢૂકી પંથકમાં મારણ થતા છ દિવસની જહેમત બાદ સિહણ હોવાની વાતને આજે ઝાલાવાડના વન વિભાગે પુષ્ટી આપેલ છે. છેલ્લા એક સપ્તાહથી પશુ મારણ થતા હોવાની ખેડૂતોની રાવ હતી વન વિભાગની ટીમ દિપડાની વસ્તી આ પંથકમાં હોવાથી પાંજરામાં ગોઠવી પકડવાની ફિરાકમાં હતી પરંતુ ગત રાત્રીનાં ઢેઢૂકી વિસ્તારમાં સિંહણ અને ડાલમથ્થાને નજરે નિહાળતા અંતે એશિયન્ટીક લાયન ચોટીલા તાલુકામાં પ્રવેશલ હોવાની પુષ્ટિ સાથે ખેડૂત અને લોકોમાં તકેદારી અને જાગૃતિ ફેલાવવા એક પ્રેસનોટ બહાર પાડેલ હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સિંહણે તા. ૧૬ થી ૧૮ દરમિયાન ચાર પશુ મારણ કરેલ છે જેમા ચોટીલાનાં ધારૈઇ ગામના ડેમ નજીક, વિછીયાના ઢેઢૂકી ગામે અને ચોટીલાના રામપરા (ચોબારી) ગામે બે મળી પાડા પાડીનાં મારણ કરેલ છે તેમજ વિછીયા તાલુકાનાં અજમેર ગામે પાડા ઉપર હુમલો કરેલ પરંતુ પશુપાલકે દેકારો કરતા શિકાર છોડી નાસી ગયેલ. ઉપરા ઉપરી વીંછીયા ચોટીલા તાલુકાની બોર્ડર ઉપરના ગામડાઓના સીમ વિસ્તારમાં મોડી રાત અને પરોઢ વચ્ચે સિંહણનાં મારણને કારણે પશુ શિકાર થતા અને ખેડૂતોને સિંહ પરીવાર દેખા દેતા ફફડાટ ફેલાયેલ છે. વાડી ખેતરે જતા લોકો ડરે છે, ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભય છે, વહેલી તકે પકડવાની માંગ કરે છે ત્યારે સાવજનાં પંચાળમાં પધરામણી થતા વનવિભાગ અને વન્યપ્રેમીઓ આનંદની લાગણી અનુભવે છે. જે પંથકમાં સિંહણ છે તે વિસ્તારનાં રહીશો અને ખેડૂતોમાં આવા વન્યજીવની લાક્ષણીકતા અંગેની જાગૃતતાનો અભાવ છે વનવિભાગ લોકો ને માહિતગાર કરવા તાબડતોબ અભિયાન ચલાવવુ જરૂરી જણાય છે.અમરેલીનાં બાબરા કોરીડોર થી વિખુટા પડી આવી ચડેલ હોવાનું અનુમાન છે ભૌગોલિકતાનાં જાણકારોના જણાવ્યાનુસાર બાબરા પંથકથી ખંભાળા, લીલીયા, જસદણ, વિછીયા આડી લીટીમાં વીડી જંગલ વિસ્તારમાં મારણ કરતા કરતા અહીયા સુધી પહોંચ્યા હોવાની શક્યતા છે. વનવિભાગ દ્વારા હાલનાં તબ્બકે સિંહણ અને ડાલમથ્થાના ફુડપ્રિન્ટ અને લોકેશન ટ્રેક કરવામાં આવી રહેલ છે. જેમા ચોબારી રામપરાથી ઢેઢૂકી વચ્ચે ૧૫ કીમીનું લોકેશન જોવા મળે છે. ચોટીલા પંથકનાં વન્ય પ્રેમીઓએ સિંહણનાં આગમનને હર્ષ સાથે સોશ્યલ મિડીયામાં વધાવી વેલકમ કરેલ છે અને ગુજરાત સરકાર અને વન વિભાગને જણાવેલ છે કે ચોટીલા નજીકનાં માંડવ જંગલમાં કાયમી વસવાટ થઈ શકે તેમ છે. દિપડા જેવા રાનીપ્રાણીની વસ્તી પણ છે. અહિયા ની આબોહવા અને નૈસગકતા એશયન લાયન ને અનુરૂપ છે. તેનો પુરાવો નજીકના રામપરા વીડીમાં સિંહ બ્રીડીંગ સેન્ટરની સફળતા આપે છે. પંચાળના ઇતિહાસમાં પણ ૨૦૦ વર્ષ પહેલા માંડવામાં સિંહનો વસવાટ હોવાની વાતનો ઉલ્લેખ છે તેમ જણાવી ચોટીલા પંથકમાં યાત્રાધામની સાથે આ પ્રોજેક્ટ ઉપર સરકાર ગંભીરતા દાખવે તો પ્રવાસધામ પણ આવનાર દિવસોમાં વિકાસ પામે તેમ હોવાની ઝૂંબેશ સોશ્યલ મિડીયામાં ચલાવેલ છે. હાલ તો વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓનાં માર્ગદર્શન મુજબ કામગીરી કરાઇ રહી છે અને સિંહણ અને ડાલમથ્થાને ઓબ્જર્વ કરાય રહેલ છે.