ચૈતર વસાવા જેલમાથી આવ્યા બહાર, 63 દિવસ પછી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે મળ્યા 3 દિવસના જામીન

સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (11:37 IST)
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાના કોર્ટે આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે. આ ત્રણ દિવસ બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. જોકે, તેવામાં ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજરી આપશે. 
 
ઉલ્લ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા.  
 
દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. વસાવા 8થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે. આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે. ચૈતર વસાવા જન પ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરવા વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં ત્રણ દિવસના વચગાળાના જામીનની માંગ કરી હતી. નર્મદાની કોર્ટે ચૈતર વસાવાને શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા છે. જે પૈકી એક શરતમાં ચૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે જામીન આપવામાં આવ્યા હતા.
 
63 દિવસના જેલવાસ બાદ વસાવાને શરતી જામીન મળ્યા છે. તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી 1 સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર