ચંદ્રયાન-૨ માટેના ઉપકરણો અમદાવાદમા તૈયાર થઈ રહ્યાં છે. માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતાઓ
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (14:03 IST)
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કરેલી જાહેરાત પ્રમાણે ચંદ્રયાન-૨ માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતા છે. ચંદ્રયાન-૨ના મહત્ત્વપૂર્ણ ઉપકરણો ઈસરોના અમદાવાદ સ્થિત કેન્દ્ર 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર'માં તૈયાર થઈ રહ્યા છે. ચંદ્રયાન-૨ એ અત્યાધુનિક મિશન છે. એ મિશન ઓર્બિટર, લેન્ડર અને રોવર પ્રકારનું હશે. એટલે કે ચંદ્રયાન-૨ કુલ બે ભાગમાં વિભાજીત હશે. એક ભાગ ચંદ્રની સપાટી પર ઉતરશે અને ચંદ્રની સપાટી પર પ્રવાસ કરશે જે લેન્ડર-રોવર તરીકે ઓળખાશે. જ્યારે બીજો હિસ્સો ચંદ્ર ફરતે ભ્રમણ કરશે. તેને ઓર્બિટર કહેવાશે. લેન્ડર અને રોવર પૈકી રોવર અલગ પડીને સપાટી પર અહીં-તહીં ફરશે. એ પ્રકારનું મિશન તૈયાર કરવું ઘણુ પડકારજનક છે. ભારતે જોકે એ પડકાર પણ પાર પાડવાની તૈયારી કરી લીધી છે. અમદાવાદ ખાતે ઈસરોની બે મહત્ત્વપૂર્ણ સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આવેલી છે. આ બન્ને સંસ્થાઓ મળીને ઈસરોના અનેક મહત્ત્વપૂર્ણ ઉપકરણો તૈયાર કરે છે. એ સંસ્થાઓમાં જ ચંદ્રયાન-૨ના પે-લોડ તૈયાર થઈ રહ્યા છે. ચંદ્રયાન-૨ના રોવરમાં ફીટ થનારો કેમેરા તૈયાર કરવાની જવાબદારી પણ અમદાવાદના ફાળે જ આવી છે. ચંદ્રયાન-૨ના ઉતરાણ માટે હાલ બે સ્થળો પ્રાથમિક ધોરણે પસંદ કરાયા છે. ઈસરોએ ચંદ્રયાન-૨ માટે કુલ રૃપિયા ૪૨૫ કરોડનું બજેટ નક્કી કર્યુ છે. જે અવકાશ સંશોધન માટે બહુ નાની રકમ ગણાય છે. ચંદ્રયાન-૨ના પે-લોડ એટલે કે ઉપકરણો ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણેય પ્રકાર માટે અલગ અલગ છે. ઓર્બિટર માટે કુલ મળીને પાંચ ઉપકરણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એક્સરે-સ્પેક્ટ્રોમિટર, એપાર્ચર રેડાર, ઈમેજિંગ સ્પેક્ટ્રોમિટર, નેચરલ માસ સ્પેક્ટ્રોમિટર અને ટેરેઈન મેપિંગ કેમેરાનો સમાવેશ થાય છે. આ પાંચ પૈકી ચાર ઉપકરણો અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)માં બની રહ્યા છે. ઈસરોના વર્તમાન ડિરેક્ટર ડો.એ.એસ.કિરણકુમાર પહેલા સેકના વડા હતા. ઈસરોના દરેક મિશનના કેમેરા અને અન્ય ઉપકરણો બનાવવામાં સેકનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. બીજી તરફ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પણ ચંદ્રયાન-૨ માટે એક્સ-રે સ્પેક્ટ્રોમિટર તૈયાર કરી રહી છે.