લાખો પ્રવાસીઓને ફાયદો અમદાવાદમાં આજથી મુસાફરોને એક મહિના સુધી ફ્રી મળશે જનમિત્ર કાર્ડ
શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (12:02 IST)
અમદાવાદ કોર્પોરેશનદ્વારા કેશલેસ વ્યવહારો કરવાની દિશામાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનદ્વારા ગુજરાત હાઈકોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જનમિત્ર કાર્ડ બસમાં મુસાફરી કરતા પેસેન્જર્સ માટે ફરજિયાત રાખવવામાં નહીં આવે. ત્યાર બાદ શુક્રવારના રોજ અમદાવાદ કોર્પોરેશનએ જાહેરાત કરી હતી કે, મુસાફરોને 1 સપ્ટેમ્બરથી એક મહિના માટે જનમિત્ર કાર્ડ મફત મળશે. આમ એક મહિના સુધી કાર્ડનો કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં.
અમદાવાદ કોર્પોરેશનકમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, હાલ વ્યક્તિના નામ સાથેના કાર્ડની કિંમત રૂ.75 અને નામ વગરના કાર્ડની કિંમત રૂ.50 હતી, જે હવેથી એક મહિના માટે લેવામાં આવશે નહીં. જો વધુમાં વધુ લોકો આ રીતે જનમિત્ર કાર્ડ વપરતા થશે તો બીઆરટીએસમાં તેને ફરજિયાત કરવાની જરૂર જ રહેશે નહીં. હવેથી જનમિત્ર કાર્ડ અને રોકડા બંને દ્વારા પ્રવાસ કરી શકાશે. હાલ બીઆરટીએસના સ્ટેન્ડ, સિવિક સેન્ટરો, આઇસીઆઇસીઆઇ બેંકની બ્રાન્ચો અને એએમટીએસના નક્કી કરેલા બસ સ્ટેન્ડ્સ સહિત 350 જગ્યાએથી કાર્ડ મળે છે. આ ઉપરાંત બેંકનો ટ્રાન્ઝેક્શન ચાર્જ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે અને બીઆરટીએસના ભાડામાં 10 ટકા રિબેટ આપશે. કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, બેન્ક દ્વારા ટ્રાન્ઝેક્શન પર લાગુ કરવામાં આવેલા 1.9 ટકા ચાર્જને તે ઉઠાવશે. ઉદાહરણ તરીકે, 10,000 રુપિયાના ટ્રાન્ઝેક્શન પર થતો 190 રુપિયા ખર્ચ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવશે. આમ કાર્ડને લોકો સુધી પહોંચાડવા તમામ દિશાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશનએ બેન્ક સાથે વાતચીત કરી અને એક મહિના માટે ફી રદ્દ કરાવી છે. જો મુસાફરો જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.