વડોદરામાં માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે ટક્કર મારી, માતાનું મોત

મંગળવાર, 28 માર્ચ 2023 (13:09 IST)
વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં. અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે.

બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી. આ અંગે ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ કનુભાઈ ગોવિંદભાઈ પરમારએ ફરિયાદ નોંધાવી છે કે, મારો ભાઈ રાજેશ દિવ્યાંગ છે અને તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમારને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. તે પછી વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.વધુમાં મૃતકના પુત્ર કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે, મને કોઈકે ફોન કરીને જાણ કરી હતી. મારા ભાઇને માથામાં, ડાબી આંખ અને હાથના પંજા ઉપર તથા જમણા પગના સાથળ ઉપર તથા નળા ઉપર ફેકચર થયું છે. જયારે મારી મમ્મીને જમણા પગના પંજા ઉપર તથા માથામાં પાછળના ભાગે તથા બન્ને હાથની કોણી નીચે ઇજા થઇ હતી. કારનો નંબર મેં નોંધી લીધો છે.ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ મહિલા કાર છોડીને રવાના થઇ જતાં તેની કાર કબજે કરાઈ હતી. હવે કારની માલિકી કોની છે, તેની વિગતો RTOઓ પાસેથી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર