ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર પાટીલના સ્વાગત માટે સુરતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા.જો કે એરપોર્ટ પર આવેલા સીઆર પાટીલે ચર્ચા વિચારણા કર્યા બાદ રેલીને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પાટીલે કહ્યું કે, વર્તમાન સમયમાં કોરોની સ્થિતિને ધ્યાને રાખી ધાર્યા કરતાં વધુ લોકોની હાજરીના પગલે સલામતિને ધ્યાને રાખીને રેલીને મોકૂફ રખાઈ છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ સુરત મહાનગર તેમજ સુરતના ભાજપના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે. તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ્દ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ. પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે. ભાજપ પ્રમુખના સ્વાગતને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પણ હાર્દિક પટેલના સ્વાગત અને સન્માન અંગે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસના પક્ષ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ માટે નિયમ નથી સામાન્ય માણસો માટે નિયમ છે. નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી બાદ સીઆર પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા ત્યારે તેઓના સ્વાગતને લઈને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ કાર રેલી શરુ થાય તે પહેલા જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. લોકોએ માસ્ક પણ બરોબર પહેર્યા ન હતાં. કાર્યકરો સામાન્ય સ્થિતિની જેમ જ જોવા મળતાં માઈકમાં અનાઉસમેન્ટ પણ કરવું પડ્યું હતું. આટલું તો ઠીક પણ લોકોને સમજાવતા ધારાસભ્યોએ પણ કાયદાની ધજીયા ઉડાવી દીધી હતી. ધારાસભ્ય સંગીતા પાટીલ, મુકેશ પટેલ, સહિતના ધારાભ્યોએ એક સાથે ઉભા રહી ફોટો સેશન પણ કરાવ્યું હતું.