Botad Stone Pelting - AAPની સભામાં પથ્થરમારો, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીયરગૅસના શેલ છોડાયા
સોમવાર, 13 ઑક્ટોબર 2025 (09:39 IST)
botad
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના બોટાદમાં સેંકડો ખેડૂતો વિરોધમાં ઊતર્યા છે. જિલ્લામાં કપાસના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન હડદડ ગામે આયોજિત આમ આદમી પાર્ટી (AAP) ની મહાપંચાયતમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. સભા ચાલુ હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા જ ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો હતો.ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે તથા તેમને દૂર-દૂરની જિનિંગ મિલોમાં માલ ઠાલવવા માટે કહેવામાં આવે છે.
આની સામે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું. શુક્રવારે પાર્ટીએ આનું નેતૃત્વ લીધું હતું અને રવિવારે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવી 'કિસાન પંચાયત'માં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા હતા અને તેમની અટકાયત થઈ હતી.
દરમિયાન બોટાદના હડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા જણાવે છે, "રવિવારે સાંજે ચાર વાગ્યે બોટાદ એપીએમસી ખાતે આપની ખેડૂત મહાપંચાયત યોજાવાની હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી."
"બીજી બાજુ, રાજુ કરપડાએ હડદડ ગામ ખાતે ખેડૂતોની સભાને સંબોધિત કરી હતી. દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો."
આ વિવાદની પૃષ્ઠભૂમિમાં કથિત વાઇરલ વીડિયો પણ છે. જેમાં બોટાદના વેપારી અને ખેડૂતની વચ્ચે કપાસના ભાવ મુદ્દે થતી રકઝક રેકૉર્ડ થયેલી છે.
બીજી બાજુ, એપીએમસીના મૅનેજમૅન્ટે સંબંધિત હિતધારકો સાથે વાત કરીને પરસ્પર રીતે માન્ય ઉકેલ લાવવાની વાત કરી છે.
બોટાદ પોલીસે મહાપંચાયત મામલે શું કહ્યું?
બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે "અહીં ગેરકાયદે મહાપંચાયતનું આયોજન થયું હતું અને કેટલાક લોકો પહોંચ્યા હતા. આથી પોલીસ તેમની અટકાયત માટે આવી હતી. તેમને વિખેરવા આવી હતી, ત્યારે લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો, પોલીસની ગાડીને પણ નુકસાન કર્યું હતું. પોલીસે લોકોને ચેતવણી પણ આપી હતી, આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે જવાબી કાર્યવાહીમાં ટિયરગૅસના શેલ છોડ્યા હતા."
એસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે આ ઘર્ષણમાં ત્રણ પોલીસકર્મીને માથામાં ઈજા થઈ છે. આ મામલો આરોપીઓ સામે કાર્યવાહી પણ કરાશે.
આમ આદમી પાર્ટીના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
તેમણે વીડિયોના માધ્યમથી આ મામલે ભાજપ અને પોલીસ પર આરોપ મૂકતા કહ્યું કે "ભાજપના કહેવાથી પોલીસે ખેડૂતો પર ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠચાર્જ કર્યો છે એવા સમાચાર મળ્યા છે. ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન ઉપાડ્યું હતું."
તેમણે કહ્યું કે ભાજપ અને પોલીસે શાંતિથી ચાલતી લડતને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.
ખેડૂતો દ્વારા કળદાનો વિરોધ
કળદો વ્યવસ્થા શું છે, ખેડૂતો શા માટે કળદાનો વિરોધ કરે છે, બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી, આમ આદમી પાર્ટી આપ રાજુ કરપડા દ્વારા વિરોધ, ઇસુદાન ગઢવી અટકાયત, બીબીસી ગુજરાતીઇમેજ સ્રોત,BBC/SOCIALMEDIA
કપાસના વાવેતર અને વેચાણ સંબંધિત સામાન્ય પ્રક્રિયાની ઉપર નજર કરીએ તો ખેડૂત દ્વારા તેનો માલ માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવે છે, જેનું સંચાલન એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) દ્વારા કરવામાં આવતું હોય છે.
અહીં વેપારીના માલની હરાજી થાય છે અને નિર્ધારિત કિંમતે માલનું વેચાણ કરવાનું નક્કી થાય છે, પરંતુ જ્યારે ખેડૂત કપાસ આપવા પહોંચે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે.
જયરામભાઈ નામના ખેડૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "એપીએમસીમાં હરાજી દરમિયાન ભાવ નક્કી થાય. એ પછી ખેડૂત જ્યારે 15-16 કિલોમીટર દૂર આવેલી જિનિંગમાં કપાસ આપવા જાય, ત્યારે અલગ-અલગ જાતના વાંધાવચકા કાઢીને ભાવ કાપવામાં આવે છે અને 'કળદો' કરવામાં આવે છે."
ખેડૂતોના કહેવા પ્રમાણે, તેમને ટેકાના ભાવો જેટલી રકમ પણ નથી મળતી અને બીજી વધારાની રકમ કાપવામાં આવે છે.
અલ્તાફભાઈ નામના ખેડૂતે કહ્યું કે, "કપાસમાં ટેકાના ભાવ રૂ. 1625 છે, પરંતુ વેપારી દ્વારા હજાર આસપાસ ખરીદી કરવામાં આવે છે. એ પછી તેમાં પણ 100-200 રૂપિયા સુધીની રકમ કાપવામાં આવે છે, એટલે બધેથી ખેડૂતોએ જ નુકસાન ભોગવવાનું?"
જાણકારોના કહેવા પ્રમાણે, બોટાદ એપીએમસીથી છ કિલોમીટરની રેન્જમાં આવેલી જિનિંગ મિલમાં ખેડૂત કપાસ ઉતારી આપે તેવી પરંપરા શરૂઆતથી જ રહી છે.
પરંતુ, ખેડૂતોને આનાથી પણ દૂર સુધી કપાસ ઠાલવવા માટે કહેવામાં આવે છે, જેથી કરીને માલભાડું પણ તેને ભોગવવાનું આવે છે.
ભોજાભાઈ નામના ખેડૂતના કહેવા પ્રમાણે, "ખેડૂત લગભગ બે હજાર રૂપિયાનું વાહન કરીને કપાસ આપવા જાય, ત્યારે 100 રૂપિયા કાપવાની વાત કરે. જો 100 મણ કપાસ વેચીએ તો એમને સીધા જ રૂ. 10 હજાર મળી જાય."
"હવે, જો ખેડૂત માલ ન આપે અને પરત આવી જાય, તો તેને ફરી વખત બે હજાર રૂપિયા વાહનભાડાના આપવા પડે. એટલે અમારે કપાસ આપી દેવો પડે છે."