પાલનપુરમાં ગુમ થયેલી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરિવારજનોએ એસપી કચેરીનો ઘેરાવ કર્યો

શનિવાર, 16 ડિસેમ્બર 2023 (19:35 IST)
Body of missing two-year-old girl found in Palanpur
પાલનપુર માનસરોવર ફાટક નજીક ગઈકાલે ગુમ થયેલી બે વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પરિવારજનોએ બાળકીની હત્યા થઈ હોવાના આક્ષેપો કર્યા છે. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બે વર્ષની બાળકીની હત્યા મામલે પાલનપુર તારા નગરની મહિલાઓ નજીકની પ્રાથમિક શાળામાં પહોંચી હતી.શાળાના બાળકોને સુરક્ષા આપો નહીં તો બાળકોને શાળામાં મોકલીશું નહીં તેવી રજૂઆત કરી હતી. મહિલાઓ આક્રોશ સાથે સૂત્રોચાર કરી પોતાના બાળકોની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુરના માનસરોવર ફાટક નજીક આવેલા બાવરી ડેરામાં રહેતા એક શ્રમિક પરિવારની બે વર્ષીય બાળકી ગઈ કાલે સાંજે ઝુંપડામાં સૂતી હતી અને તેની માતા ઘર બહાર કામ અર્થે ગઈ હતી. આ સમયે અચાનક ઝુંપડામાં ખાટલામાં સૂતેલી બાળકી ગુમ થઈ ગઈ હતી. જેથી બાળકીના માતા-પિતા સહિત આસપાસના લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકી ક્યાંય મળી ન હતી. 2 કલાક બાદ આ શ્રમિક પરિવારના ઝુંપડાથી 200-300 મીટરના અંતરમાં આવેલા ઝાડી જાખરાવાળા વિસ્તારમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. પરિવારે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીના માથાના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે 108 મારફતે બાળકીના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે, ગઈકાલે બાળકીને અજાણ્યા શખ્સો ઝૂંપડામાંથી ઉપાડી જઈ તેની સાથે ખરાબ કૃત્ય આચરીને તેને મારી નાખી છે. બાળકી સાથે ખરાબ કૃત્ય તેમજ હત્યા થઈ છે કે કેમ તે તો પીએમ રિપોર્ટ બાદ જ જાણ થશે. પોલીસે શકમંદો સહિત સ્થળ નજીક આવેલા સીસીટીવીની તપાસ કરીને બાળકીના મોત પાછળનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.

બે વર્ષની બાળકીની હત્યા મામલે પાલનપુર તારા નગરની મહિલાઓ નજીકની પ્રાથમિક શાળામાં પહોંચી હતી. શાળાના બાળકોને સુરક્ષા આપો નહીં તો બાળકોને શાળામાં મોકલીશું નહીં તેવી રજૂઆત કરી હતી. મહિલાઓ આક્રોશ સાથે સૂત્રોચાર કરી પોતાના બાળકોની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી હતી.  એસપી કચેરી આગળ મહિલાઓએ મોટી સંખ્યામાં ધરણા યોજી દીકરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. પોલીસે મહિલાઓને સમજાવ્યા બાદ તેઓ ઘરે પરત ફરી હતી. મહિલાઓએ બે થી ત્રણ દિવસમાં આરોપીઓ નહીં ઝડપાય તો ફરી એસપી કચેરીનો ઘેરાવ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર