હાઇકમાન્ડ સુધી ફરિયાદો પહોંચતાં ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલનું પત્તું કપાશે

મંગળવાર, 5 નવેમ્બર 2019 (13:18 IST)
આગામી ૧૫મી ડિસેમ્બર સુધી ભાજપનુ આખેઆખુ માળખુ બદલાઇ જશે. આ વખતે તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય નક્કી છે ત્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનુ પત્તુ કપાઇ જશે. હાઇકમાન્ડ ઋત્વિજ પટેલથી ય ભારોભાર નારાજ છે એટલે જ તેમને અમરાઇવાડીમાંથી ય ટિકીટ આપવામાં આવી નહીં. ઋત્વિજ પટેલના વખતમાં યુવા મોરચાના કાર્યકરોએ એવી કરતૂતો કરીકે જેના કારણે ભાજપની આબરુનુ ધોવાણ થયુ છે.  ભાજપ યુવા મોરચના પ્રમુખ ઋત્વિજ પટેલને હવે રિપીટ નહી કરાય. તેમની વિરુધૃધ ઘણી ફરિયાદો  છેક હાઇકમાન્ડ સુધી પહોંચી છે. ઋત્વિજ પટેલ જયારથી ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા ત્યારબાદ યુવા મોરચાના કાર્યકરો-હોદ્દેદારો જાણે બેકાબુ બન્યા હતાં. રાહુલ સોની હોય કે પછી વિક્કી ત્રિવેદી. ખંડણી ઉઘરાવી,દારુ પીને છાકટાં થવું, પોલીસ સામે દાદારીરી કરવી,જાહેર સૃથળોએ મારામારી કરવી. ભાજપ યુવા મોરચાના ઘણાં હોદ્દેદારો એ આવી કરતૂતો કરી છે. ખુદ ઋત્વિજ પટેલે પણ એરપોર્ટ  હોય કે પછી રિવરફ્રન્ટ પોલીસ સાથે હાથાપાઇ-બોલાચાલી કરીને વિવાદમાં રહ્યાં છે. આ ફરિયાદોને કારણે ભાજપ યુવા મોરચાએ જ ભાજપની આબરુની લિલામી કરી હતી. હવે નવા પ્રદેશના માળખામાં ઋત્વિજ પટેલનો સમાવેશ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. હાઇકમાન્ડ પણ ઋત્વિજ પટેલની કામગીરીને લઇને સંતુષ્ટ નથી એટલે તેમનુ પત્તુ કપાઇ શકે છે. હવે ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે હાલમાં ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં તે ધવલ દવેનુ નામ ચર્ચામાં છે. આ ઉપરાંત જીગર ઇનામદારના નામ પર પણ વિચારણા થઇ શકે છે. જીતુ વાઘાણી યુવા મોરચાના પ્રમુખ હતાં તે વખતે ઇનામદાર મહામંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે.  આણંદ જિલ્લા યુવા ભાજપમાં ૨ ટર્મ રહી ચૂકેલાં ઉપપ્રમુખ જગત પટેલનુ નામ પણ રેસમાં છે. મૂળ સૌરાષ્ટ્રના અને હાલમાં સુરતમાં સક્રિય એવાં કરશન ગોડંલિયા જે યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે અને સંઘનુ બેકગ્રાઉન્ડ ધરાવે છે. સહસંગઠન મંત્રી ભીખુ દલસાણિયાની ગુડબુકમાં છે. તેમને ય ભાજપ યુવા મોરચાના પ્રમુખપદે બેસાડવામાં આવે તેમ છે. હાલમાં સુરેન્દ્રનગર ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણનુ નામ પણ ચર્ચાઇ રહ્યુ છે. આમ,અનેક સમીકરણોના અંતે ભાજપ હાઇકમાન્ડ આ મામલે નિર્ણય કરશે પરંતુ અત્યારે ઋત્વિજ પટેલના નામ પર ચોકડી લાગી ચૂકી છે તેવી ચર્ચા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર