આ નેતાઓ ક્યારે સુધરશે ? ભાજપ યુવા મોરચા ઉપ પ્રમુખે લગ્ન સમારોહમાં કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવ્યા

મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (21:20 IST)
ગુજરાતમાં કોરોના કેસને કાબુ કરવામાં સરકાર સામાન્ય જનતા પર અનેક નિયમો લગાવે છે પણ નેતાઓ તો કોરોનાના નિયમોને ગણકારતા જ નથી,  છતાં પોલીસતંત્ર ચૂપચાપ જોયા કરે છે.   વલસાડ જિલ્લામાં કોરોના ગાઇડલાઇન્સનો ખુલ્લેઆમ ભંગ થતા સમાચાર સામે આવ્યા છે. પારડી તાલુકાના ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખ દેગીશ સુનીલભાઈ આહીરની બહેનના લગ્નમાં કોરોના નિયમોને ઘોળીને પી જનારાનાં દૃશ્યો સામે આવ્યાં છે. વાઈરલ વીડિયોને લઈ સવાલો ઉઠતા પોલીસે વર અને કન્યા પક્ષના લગ્નના આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી છે. જ્યારે DJ સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે.
 
મોટી સંખ્યામાં લોકોનો બિંદાસ ડાંસ 
 
ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખ દેગીશ સુનીલભાઇ આહીરની બહેનના લગ્ન પારડી હાઇવે પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ધરમપુર APMCના ચેરમેન જીવાભાઇ આહીરના ભાઇના છોકરાની સાથે યોજાયા હતા. લગ્ન સમારોહમાં કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા સ્પષ્ટ જોવા મળ્યા હતા. પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચ્યા હતા, આથી સવાલો થઇ રહ્યા છે કે શું પારડી પોલીસને આ શાહી લગ્ન દેખાતા નથી. નિયમો ઘડતા નેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હતા. ત્યારે પોલીસતંત્ર ઘોરનિદ્રામાં જોવા મળ્યું હતું.
 
પોલીસ નેતાઓનાં આયોજનોમાં કેમ ચૂપ ?
 
આ ઉપરાંત વરઘોડો નેશનલ હાઇવે નંબર 48 પર સર્વિસ રોડ પર નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. થોડા સમય અગાઉ વલસાડમાં કર્ફ્યૂ ભંગમાં નવવધૂને આખી રાત પોલીસ સ્ટેશનનમાં વિતાવવી પડી હતી, એવી સખત કાર્યવાહી પોલીસે કરી હતી. અહીં સવાલો ઊભા થાય છે કે સામાન્ય માણસને માસ્ક કે કર્ફ્યૂ ભંગમાં દંડતી પોલીસ નેતાઓનાં આયોજનોમાં કેમ ચૂપ રહે છે? શુ નિયમો માત્ર પ્રજા માટે જ હોય છે. નેતાઓ માટે નહીં? આવા એક નહીં, અનેક સવાલો છે, પણ એના કોઇ જવાબ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર