આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપના પ્રદેશ અધ્યક્ષનો એક્શન પ્લાન શું છે?

મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (15:53 IST)
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હવે તમામ 182 બેઠકો પર વિજયની રણનીતિ ઘડી કાઢી છે. પાટીલ હવે સૌરાષ્ટ્ર બાદ આગામી તા.3જી સપ્ટેમ્બરથી અંબાજીથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની મુલાકાતે જઈ રહયા છે. તે પહેલા પાટીલે હવે આગામી 2જી સપ્ટે.ના રોજ ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે મહત્વની બેઠક આયોજીત કરી છે, જેમાં 2007, 2012 અને 2017માં ચૂંટણી લડેલા અને હારી ગયેલા ઉમેદવારો તેમજ પૂર્વ ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાનાર છે. જેમાં હવે પાટીલ આ ઉમેદવારો તેમજ પૂર્વ ધારાસભ્યોને સંબોધન કરશે.પાટીલ હવે આ પાર્ટી અગ્રણીઓ સાથે મળીને તમામ ઉમેદવારોનો 2022ની ચૂંટણીમાં કેવી રીતે ઉપયોગ કરવો તે દિશામાં ચર્ચા કરશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા.2 જી સપ્ટે.ના રોજ બપોરે ૩.૦૦ કલાકે પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ’, ગાંધીનગર ખાતે આ બેઠક યોજાશે. તાજેતરમાં સી આર પાટીલની સૌરાષ્ટ્રની યાત્રા દરમ્યાન તેમાં ગરબે ધૂમેલા અને યાત્રામાં જોડાયેલા ભાજપના અગ્રણીઓ હવે એક પછી એક કોરોનાગ્રસ્ત થઈ રહયા છે.આજે ભાજપના રાજયસભાના સાંસદ અભય ભારદ્વ્રાજ અને તેમના પુત્ર અંશ ભારદ્વ્રાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પાર્ટીમાં જેવી રીતે જોશ ભરી રહ્યા છે તેને જોતા લાગી રહ્યુ છે કે પાર્ટીની તાકાતમાં હજી બે ગણો વધારો થશે. સીઆર પાટીલ ધડાધડ કાર્યો કરવા લાગી પડ્યા છે અને એમાં હવે પાર્ટીમાં એકતા સાથે અનુશાસન પણ સર્વાપરી હશે કારણ કે સીઆર પાટીલે અગાઉ સૂચનો કર્યા છતાં પાર્ટીમાં અમુક કાર્યકરોએ બેદરકારી દાખવી હતી તે બાદ સીઆર પાટીલે જે કર્યુ તે ઉલ્લેખનિય હતું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર