તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં કેસર કેરીનો પાક બગાડ્યો, 60 કરોડથી વધુનું નુકસાન

બુધવાર, 19 મે 2021 (15:25 IST)
કુદરતી મીઠાશ અને પૌષ્ટિક અમૃત ફળ ગણાતી સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના પાકને તાઉ-તે વાવાઝોડાએ ખેદાન-મેદાન કરી નાખ્યો છે. આ પહેલાં સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુકસાન થયું હતું. ત્યાં તો તાઉ-તે વાવાઝોડાની આફતે કેરી પકડવતા ખેડૂતો પર એવી થપાટ મારી કે એકસાથે બે વર્ષ નિષ્ફળ જાય એવી સ્થિતિ લાવી દીધી છે. સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે, આથી 60 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાથી કેરીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 100થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ વરસતાં આંબાઓ મૂળિયાંમાંથી જ ઊખડી ગયા છે. ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આની અસર આવતા વર્ષે પણ ભોગવવાનો વારો આવશે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હજારો આંબા તો જમીનથી ઊખડી જ ગયા છે.

કેરીના વેરી બનીને ત્રાટકેલા વાવાઝોડાએ તલાલા પંથકમાં 13,827 હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે 15 લાખથી વધુ આંબાનાં વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ ઊખડી ગયા હતા. આશરે 60 કરોડની કેરીને નુકસાન થયાના તલાલાથી જાણવા મળ્યું છે.મોટા ભાગના આંબાની ડાળીઓ વાવાઝોડાના વિનાશક પવનની ઝપેટમાં ચીરાઈને તૂટી ગઈ છે. આવું નુકસાન ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયું છે. જૂનાગઢ ઉપરાંત વિસાવદર, મેંદરડા, માળિયાહાટીના, વંથલી પંથકમાં પણ કેરીનું વ્યાપક ઉત્પાદન થાય છે. અહીં અગાઉ વારંવાર કમોસમી વરસાદ વરસતો રહ્યો હતો અને હવે વાવાઝોડાએ દાટ વાળી દીધો છે. જૂનાગઢથી જાણવા મળ્યા મુજબ, વર્ષમાં કેસર કેરીનો પાક એક જ વાર લેવાય છે અને એ સીઝન ટાણે જ વાવાઝોડું આવતાં કેરીનો સોથ વળી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર