'દાદા' મંત્રીમંડળમાં સિનિયરોની થશે બાદબાકી, નવા અને યુવાન ચહેરાને મળશે તક

મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (11:20 IST)
ગુજરાતના નવા 'સરપ્રાઇઝિંગ મુખ્યમંત્રી' ભૂપેન્દ્ર પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પ્રજામાં 'દાદા'  ના નામથી પણ ખૂબ જાણિતા છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરશે. બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં વધુ યુવાન ચહેરા જોવા મળશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. નવા અને યુવાન ચહેરાઓનો સમાવેશ કરવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે.
 
હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય એવી શક્યતા છે, જ્યારે નવાં 15 નામનો ઉમેરો થઈ જશે. આમ, આખાંય મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ ગ્રહણ કરશે.
 
ભૂપેન્દ્ર પટેલની ટીમને પસંદ કરવા અંગેની વિચાર વિમર્શ બેઠક યોજાઇ હતી. કેબિનેટ પસંદગી માટે જે મુખ્ય લાયકાતો અંગે ચર્ચા કરવામાં આવે છે તેમાં એક એ છે કે મંત્રીમંડળ યુવા હોવું જોઈએ. જે સૂચવે છે કે 60 વર્ષથી વધુની ઉંમરના કેટલાક મંત્રીઓને મંત્રીમંડળમાંથી હટાવી શકાય છે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે.
 
આ ઉપરાંત નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, બાવળિયા, જવાહર ચાવડા, ઇશ્વર પરમાર નામ પર કાતર ફેરવવામાં આવી છે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે. 
 
જ્યારે કેબિનેટ મંત્રીઓમાં પ્રદીપસિંહ, આત્મારામ પરમાર, રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણીનાં નામ ઉમેરાશે. ફળદુ, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, રાદડિયા રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર