આ રીંછ ખોરાક પાણીની શોધમાં કેટલીકવાર માનવ વસ્તીમાં આવી જાય છે અને હુમલો કરવાના બનાવો પણ બને છે. ત્યારે ગત મોડી સાંજે આંબાખૂટ ગામનો ધર્મેશભાઈ મડુંભાઈ રાઠવા ઉ.વ. 25 વર્ષ પોતાના ખેતરથી સાંજના 7-30 વાગ્યાના અરસામાં પાછા ફરતી વખતે રસ્તામાં ખોરાકની શોધમાં નીકળેલા રીંછે ધર્મેશ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ધર્મેશના મોઢાને રીંછે ખૂબ જ ગંભીર રીતે કરડી ખાધું હતું.
રીંછનો હુમલો એટલો ગંભીર હતો કે આ યુવાનનો ચહેરો ફરીથી જૈસેથે થઈ શકે તેવી શક્યતાઓ ખૂબ ઓછી જણાઈ રહી છે. આ યુવાન ચહેરા ઉપર ગાલ, કપાળ, આંખ, નાક બધું જ કરડી ખાધેલું જોવા મળે છે.રીંછના હુમલામાં ધર્મેશ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.