ગુજરાતમાં ખરાબ રસ્તાને લઇને ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરી જેએન સિંઘને ઉધડા લીધા હતા. ગુજરાતમાં બિસ્માર રસ્તાને રિપેર કરવા માટે હાઇકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં રોડ રસ્તા રિપેર ન કરતાં ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને કહ્યું કે તમને શા માટે જેલમાં મોકલવા ન જોઈએ. કોર્ટે આ મામલે ચીફ સેક્રેટરી જેએન સિંઘ પાસે જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. આ મુદ્દે આગામી સુનાવણી 28 નવેમ્બર થશે.
અત્રે ઉલ્લેખનીય છે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રોડને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. આઇકે જાડેજાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધી ખરાબ રસ્તો છે. ઔડા (Ahmedabad Urban Development Authority)ના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાકરોની કોઇ જવાબદારી બનતી નથી.