રાજકોટમાં યુવકે પેટ્રોલપંપમાં જ્વલનશીલ પ્રવાહીનો કેરબો શરીર પર રેડ્યો, સળગે એ પહેલાં બચાવી લેવાયો

ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (13:17 IST)
રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાના કારણે આ યુવનનો જીવ બચી ગયો હતો. આથી મોટી દુર્ઘટના ટળી હતી. યુવાને આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસ પહેલા પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગત રાત્રિના 10.51 વાગ્યે મયુર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો.  પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે  તે પહેલા પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવે છે. જેમાંથી એક યુવાન દોડીને આવતો હતો ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતા લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.જોકે આ યુવાન ઉભો થઈને મયુરને રોક્યો હતો. બાદમાં પેટ્રોલપંપમાં કામ કરતા સ્ટાફ તેમજ અન્ય લોકોની સમય સુચકતા અને સતર્કતાના કારણે યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જોકે મયુરના આત્મવિલોપનને રોકતા જ પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી.  બાદમાં પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આત્મવિલોપન કરવા પહોંચેલા યુવાન મયુર સોંદરવાએ જણાવ્યું હતું કે, આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પૂરાવી બાદમાં શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બિમારી હોવાથી થોડી વાર લાગી હતી. આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી ફરિયાદ કરવાના બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતા આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.  બીજી તરફ પેટ્રોલપંપ સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે તેમને માર માર્યો નથી, તે ગાળો બોલતા ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે, તે સમયે હોયપિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ઝપાઝપી થઈ તે દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર