કોર્ટે કહ્યું હતું કે, તમે જ બાહેંધરી આપી હતી કે હાજર રહેશો, દિલ્હીમાં પૂર નથી, હવે કેમ હાજર નથી થવું?
Gujarat HC - દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ હતો.આજે કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં આજે કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું.
અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિને લઈ હાજર નહોતા રહ્યા
કોર્ટે કેજરીવાલની સ્ટે માટેની અરજીની સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. હવે નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું પડશે. તે સાથે કોર્ટે કહ્યું હતું કે, તમે જ કોર્ટને બાહેંધરી આપી હતી કે હાજર રહેશો. કોર્ટ બોલાવે ત્યારે તમારે હાજર રહેવું જોઈએ. જ્યારે કેજરીવાલના વકીલ કહ્યું હતું કે, અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી માટે હાજર રહી શક્યા ન હતા. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, હવે તો દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે કોર્ટને મૂંઝવવા જોરદાર પ્રયાસો કરી રહ્યાં છો.