અરિજિતસિંહની કોન્સર્ટના અાયોજકોને ૯૨ લાખનો ટેક્સ ભરવા નોટિસ

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (12:54 IST)
ડિસેમ્બર માસમાં સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલી ‘અરિજિતસિંહ એઝ નેવર બિફોર’ લાઇવ કોન્સર્ટના આયોજકો કરચોરીના મામલે વિવાદમાં આવ્યા છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કોન્સર્ટના આયોજકો જિપ્સી ઇવેન્ટને રૂ.૯ર લાખની કરચોરી અંગેની નોટિસ મનોરંજન વિભાગ દ્વારા ફટકારાઇ છે. ર૪ ડિસે.ના રોજ બોલિવૂડના સિંગર અરજિતસિંહની કોન્સર્ટ મનોરંજન કરની ચોરી મામલે વિવાદમાં રહી હતી. કોન્સર્ટના બે દિવસ અગાઉ મનોરંજન વિભાગ દ્વારા કોન્સર્ટના આયોજકોને નોટિસ પાઠવવામાં આવી. દરમ્યાનમાં કંપનીને કેટલી રકમનું કરનું ચૂકવણું બાકી છે ? કેટલી રકમની ટિકિટોનું વેચાણ થયું ? ટિકિટોના દર કેટલા હતા ? વગેરે અનેક બાબતોના ખુલાસા કરવા નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું.ત્યારબાદ ઇવેન્ટ કંપની દ્વારા નોટિસમાં ઉલ્લેખ કરાયેલા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા રજુ કરાઇ હતી.

કંપની દ્વારા રજૂ કરાયેલા આધાર-પુરાવાઓ, ટિકિટ વેચાણની વિગતોના આધારે મનોરંજન વિભાગ દ્વારા મનોરંજન કર વસૂલી પેટે રૂ.૯ર લાખની માગણી કરતી નોટિસ જિપ્સી ઇવેન્ટ કંપનીને આપી છે. હાલમાં મામલતદાર કક્ષાએ સમગ્ર બાબત ચાલી રહી છે. જો કંપનીને અપીલમાં જવું હશે તો તેઓ હવે અમદાવાદના ‌કલેકટર અવંતિકાસિંહ સમક્ષ અપીલમાં જઇ રજૂઆત કરી શકશે. તે પછી પણ મનોરંજન કર કમિશનર પાસે અપીલમાં જઇ શકશે.

મનોરંજન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઇવેન્ટ કંપનીએ વિભાગ સમક્ષ રજૂ કરેલી તમામ વિગતો અને ટિકિટનાં વેચાણ અને આવકના આધારે રપ ટકા કર ચૂકવણીની નોટિસ આપવામાં આવી છે. અરિજિતસિંહની કોન્સર્ટનું આયોજન રર નવેમ્બર, ર૦૧૪માં પણ રાજપથ કલબમાં યોજાઇ હતી. ત્યારે પણ ઇવેન્ટ કંપની વિવાદમાં આવી હતી. અન્ય મ્યુઝિકના કોપી રાઇટસના મુદ્દે જિપ્સી ઇવેન્ટને કેટલીક ચોક્કસ રકમ ચૂકવવાની નોટિસ અપાઇ હતી. અા અંગે અમદાવાદ કલેક્ટર કચેરીના મામલતદાર (મનોરંજન) ભદ્રેશભાઈ શાહે જણાવ્યું હતું કે સરકારી કાર્યવાહી ચાલુ છે. કોન્સર્ટ અાયોજકોનો અા બાબતે સંપર્ક થઈ શક્યો ન હતો.

વેબદુનિયા પર વાંચો