જો તમે સ્વેટર અને રજાઈઓ મુકી દેવાનુ વિચારતા હોય તો ફરી એકવાર તેની જરૂર પડી શકે છે. ગુજરાતમાં ફરીથી ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.
બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જાેવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે.
આજે બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે. 3 દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ આ તારીખથી પારો નીચે આવશે. દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડ વેવ કે અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી.