Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે તેમા પણ ઈસ્કોન બ્રિજની અકસ્માતની ઘટના હજૂ ભૂલાણી નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમા એક કાર ચાલકે BMWથી અકસ્માત સર્જયો છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. શહેરમાં નબીરાઓ બેફામ બન્યા હોય તેમ ગઈકાલે સેટેલાઈટ વિસ્તારમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અલગ-અલગ જગ્યાએ કારને અથડાવી હતી અને અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી બીએમડબલ્યુ લઈને નીકળેલો એક યુવક સેટેલાઈટ તરફ આગળ વધ્યો અને તે માણેકબાગ પહોંચે તે પહેલાં રસ્તામાં તેણે ઘણી જગ્યાએ પોતાની કાર અથડાવી હતી. પરંતુ માણેકબાગ પાસે તેમની કાર ધડાકાભેર રેલિંગ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી.મોડીરાતે થયેલો અકસ્માત હોવાથી રસ્તા પર ખૂબ ઓછા લોકો હતા. પરંતુ અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થયા હતા ત્યારે કારની અંદર ચિક્કાર દારૂ પીધેલો યુવક બહાર આવ્યો અને તેને જરા પણ ભાન ન હોય તેવી સ્થિતિ હતી.
આ બનાવ બન્યો ત્યારે આસપાસના લોકોએ વીડિયો પણ ઉતાર્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને જાણવા મળ્યું કે, આ વ્યક્તિનું નામ કમલેશ બિશ્નોઈ છે અને મણિનગરનો રહેવાસી છે. આ અંગે સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વસ્ત્રાપુર પોલીસે પણ આરોપી સામે ગુનો નોંધ્યો છે.