Gujarat Shravan Tirthdarshan Yojana 2023 - તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખ વડીલોએ તીર્થયાત્રા કરી, ગુજરાત સરકારે 14 કરોડ સહાય ચૂકવી

બુધવાર, 26 જુલાઈ 2023 (18:54 IST)
Gujarat Shravan Tirthdarshan Yojana 2023
સિનિયર સિટીઝન્સ માટે અમલી "શ્રવણ તીર્થ યોજના"નો 1.32 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો
 
ગુજરાતના સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં 1 લાખ 32 હજાર 928 શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ 2017થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને 757 લાખની સહાય પ્રદાન કરી છે. ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 1 લાખ 36 હજાર 335 શ્રદ્ધાળુઓએ લીધો છે. આ માટે રાજય સરકારે 14 કરોડ 64 લાખ 90 હજારની સહાય શ્રદ્ધાળુઓને આપી છે. 
 
સિંધુ દર્શન યોજના 2017માં શરૂ થઈ હતી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજનાની જેમ અન્ય યોજનાઓ પણ ચાલી રહી છે. જેમાં "કૈલાશ માન સરોવર યોજના" અને "સિંધુ દર્શન યોજના" માં કૈલાશ માનસરોવર યોજના સૌથી જૂની છે. આ યોજના 2001થી અમલમાં છે. જ્યારે સિંધુ દર્શન યોજના 2017માં શરૂ થઈ હતી. વર્ષ 2001થી શરુ થયેલી કૈલાશ માન સરોવર યાત્રાનો લાભ 2561 શ્રદ્ધાળુઓએ લીધો છે. આ યાત્રા માટે રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓને 581 લાખની સહાય ચૂકવી છે. 
 
રાજ્ય સરકારે 126.9 લાખની સહાય પૂરી પાડી
વર્ષ 2017થી ચાલતી સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓની સંખ્યા જૂન-2023 સુધી 846 એ પહોંચી છે કે જેમને રાજ્ય સરકારે 126.9 લાખની સહાય પૂરી પાડી છે. લેહ-લદાખમાં યોજાતા સિંધુ દર્શન ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વએ યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. અહીં શ્રદ્ધાળુઓ સિંધુ સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે. આ યોજના હેઠળ વર્ષમાં 300 પ્રવાસીઓને સહાય મળે છે. લાભાર્થી દીઠ 15 હજારની સહાય કરવામાં આવે છે. જો પ્રવાસીઓની સંખ્યા વધે, તો ડ્રૉ સિસ્ટમથી 300 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર