મહેસાણાના બારોટ પરિવારના યુવાનનું કેનેડામાં ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બે સગા ભાઈ ફોટોશૂટ માટે કેનેડામાં આવેલા પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ગયા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. પગ લપસી જતાં નાનો ભાઇ ડૂબતાં મોટો ભાઈ બચાવવા માટે પડ્યો હતો. જોકે તેના પ્રયત્નો નાકામ રહ્યા હતા. મોટા ભાઇની પણ હાલત ગંભીર છે.
છેલ્લા ત્રણ વર્ષથી બંને ભાઈ કેનેડામાં હતા
મળતી માહિતી મુજબ, મૂળ મહેસાણાના અને છેલ્લાં ત્રણ વર્ષથી કેનેડામાં સ્થાયી થયેલા બે સગા ભાઈ હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ નામના બે યુવક કેનેડામાં આવેલા પેગીઝ કોવ ખાતે ફોટોશૂટ માટે ગયા હતા. લાઈટ હાઉસ નજીક ખડકો પર ઊભા હતા. એ દરમિયાન પગ લપસી જતાં નાનો ભાઈ હર્ષિલ બારોટ દરિયામાં ડૂબી ગયો હતો. જ્યારે મોટો ભાઈ નાના ભાઈને બચાવવા પાછળ કૂદ્યો હતો, પરંતુ તેના પ્રયત્નો નાકામ રહ્યા હતા. મોટા ભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં કેનેડિયન ફાયર અને ઇમર્જન્સી જોઈન્ટ રેસ્ક્યૂ કો-ઓર્ડિનેટર સેન્ટર અને કેનેડિયન કોસ્ટ ગાર્ડ ઘટનાસ્થળે આવી મોડી રાત સુધી યુવકોની શોધખોળ કરી હતી, કેટલીક સ્થાનિક બોટની મદદથી યુવકની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં દરિયા કિનારા નજીકથી ઝરીન બારોટ મળી આવ્યો હતો, તેને રાત્રે 8.55 કલાકે ફાયર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ થતાં તેણે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.