અફઘાની વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરી આત્મહત્યા

બુધવાર, 17 જૂન 2020 (11:28 IST)
કોરોનામા ભય અને ડરના માહોલ વચ્ચે  આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે. લોકો સતત ડીપ્રેશનનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા એક અફઘાની વિદ્યાર્થીએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. આ વિદ્યાર્થી અફઘાનિસ્તાનનો હોવાનું જાણવા મળ્યું છે. તે સોમલલીત કોલેજમાં BBAનો અભ્યાસ કરતો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં જુદા- જુદા દેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે અને આ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની એનઆરઆઈ હોસ્ટેલમા રહેતા હોય છે. ત્યારે મૂળ અફઘાનિસ્તાનના અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 
 
ફકીર ઝાદ સેકીબની ઉંમર 24 વર્ષ હતી. તે BBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 2015 માં તે ભારતમાં આવ્યો હતો. સેમેસ્ટર-2માં એક એટીકેટી આવી હતી. તે ગણિત વિષયમાં નાપાસ થયો હતો. તે નાપાસ થતા સતત ચિંતામાં રહેતો હતો. પરીક્ષા મુલવતી થતા તે ચિંતામાં હતો કે ફરી પરીક્ષા ક્યારે લેવાશે તેને લઈ અવઢવમાં હતો.આ ટેન્શનમાં આવીને તેણે આત્મહત્યાનું પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસ સામે આવ્યું છે. આ વિદ્યાર્થી એ બ્લોક પાસે આવેલા ઝાડ પર લટકીને આત્મહત્યા કરી છે. 
 
દરમિયાન આજે સવારે એકાએક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર વહેતા, યુનિવર્સિટી કેમ્પસમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને તંત્ર દોડતું થઇ ગયું છે. વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ ખાતે ખસેડાયો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર