બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં થી વાલીઓ માટે એક ચોંકાવાનારા મામલો સામે આવ્યો છે. જ્યાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ચરકા મારી ઘાયલ કરી લીધા હતા. આ વાતની જાણ શાળાના સંચાલકોને ખબર હતી પણ શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે. આ તમામ વિદ્યાર્થીઓ પાંચમાં, છઠ્ઠા અને સાતમાં ધોરણમાં ભણતા હોવાનો ખુલાસો થયો છે.
કાપા મારશો તો રૂપિયા મળશે
મોટા મુંજિયાસરની શાળામાં 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આસપાસનાં ગામોથી પણ અહીં છાત્રો આવે છે. ધોરણ 7મા ભણતો એક છાત્ર બગસરાથી આવે છે. જેણે વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર કાપા મારવાની અને આવુ કરશો તો તો તમને 10 રૂપિયા આપીશ અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે બાળકોએ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા. બાદમાં તેમાં ધોરણ 5 અને 6 ના છાત્રો પણ જોડાયા હતા. અને જોતજોતામા શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા.