અમરેલીમાં ગુમ થયેલા યુવકની શોધમાં નીકળેલી પોલીસને ડબલ મર્ડર કેસ હાથ લાગ્યો છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલ બે વ્યક્તિઓએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે 22 વર્ષના યુવકની હત્યા બાદ તેની પ્રેમીકાની પણ હત્યા કરી નાખવામાં આવી છે. કોળી યુવાન ગુમ થયાના 2 મહિના બાદ પોલીસને તેના શરીરના અવશેષો અને વિંટી મહુવા ખાતે કેનાલની નજીકથી મળી આવ્યા છે. આ સમગ્ર કેસમાં હવે ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના જ ભાણવડ ગામમાં રહેતા પાટડિયા અને પન્ના ભુકાણ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે નિલેષ પાટડિયા કોળી અને પન્ના ભુકાણ દરબાર જ્ઞાતીની હોઈ પન્નાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. અમરેલી પોલીસ આ મામલે સુરેશ વાળા અને શેલર ભુકાણની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય 8 વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે. અમરેલી જિલ્લના સાવરકુંડલા ડિવિઝનના આર.એલ. માવાણીએ કહ્યું કે, ‘પોલીસ પૂછપરછ દરમિયાન બંને ગુનેગારોએ કબૂલ્યું કે તેમણે યુવકની હત્યા કર્યા બાદ યુવતીને પણ જીવતી સળગાવી દીધી છે. જોકે અમે હજુ સુધી યુવતીના અવશેષો મેળવી શક્યા નથી. ધરપકડ કરાયેલ પૈકી સુરેશ વાળા પન્નાનો પિતરાઈ ભાઈ થાય છે જ્યારે શેલર ભુકાણ તેના પરિવારનો જ સભ્ય છે. પાટડિયાના પિતા દ્વારા 4 ઓગસ્ટના રોજ પોતાનો પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે તેની તપાસ કરી રહેલી પોલીસને કોઈ ગુમ થવા પાછળ કોઈ સગડ મળતા નહોતા અને ધીમે ધીમે આ કેસ એક રહસ્યમય કેસ બની રહ્યો હતો. જોકે અચાનક જ પોલીસને એક નનામી સીડી મળી આવી હતી જેમાં રહેલા અવાજ અને વાતચિત દ્વારા પોલીસને જાણ થઈ કે પાટડિયાને ક્યાંક રાખીને ટોર્ચર કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે શંકાના આધારે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમણે કબૂલાત આપી કે પાટડિયાની હત્યા કરી નાખવામાં આવી છે.